વલસાડ: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને પગલે હિન્દુ સંગઠનોમાં વિરોધ જોવા મળ્યો છે. આજે બાંગ્લાદેશ પર હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં હિન્દુ સંગઠનો દ્વારા રાજ્યના 4 જિલ્લાઓમાં રેલી કાઢવામાં આવી હતી. જેમાં વલસાડ, તાપી, પોરબંદર તથા નર્મદામાં આ પ્રકારે રેલી યોજીને હિન્દુ સંગઠનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. સાથે જ બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની સુરક્ષા માટે ઉચિત પગલા લેવા માંગ કરવામાં આવી છે
હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા વલસાડમાં આયોજન
વલસાડમાં હિન્દુ હિત રક્ષા સમિતિના બેનર હેઠળ આજે વિવિધ સાધુ-સંતો અને હિન્દુ સંગઠનો, RSS શાખાઓના કાર્યકર્તાઓની સાથે વલસાડના સ્ટેડિયમ રોડ ખાતે આવેલા રામરોટી ચોક પાસે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક સાધુ સંતોએ ચિંતા વ્યક્ત કરી હતી. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ હિન્દુ ભાઈઓને સંગઠિત થવા હાકલ કરાઇ સાથે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અંગેની જાણકારી અપાઈ હતી.
મહારેલી યોજી આવેદનપત્ર અપાયો
રામરોટી ચોક વલસાડ ખાતે વિશેષ આયોજન કર્યા બાદ હિન્દુ સંગઠન અને સંતો દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સૂત્રોચાર બેનરો અને નારા સાથે હિન્દુઓની સુરક્ષાના સૂત્રોચાર કરતા આ રેલી વલસાડ શહેરના વિવિધ વિસ્તારમાં ફરી જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી હતી અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરી બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની સુરક્ષાની માંગ કરાઈ હતી.
તાપીમાં પણ હિન્દુ હિત રક્ષા સમિતિની રેલી
તો બીજી તરફ તાપી જિલ્લામાં હિન્દુ હિત રક્ષા સમિતિ વ્યારા ખાતે રેલી યોજી રાષ્ટ્રપતિને સંબોધી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું અને ભારત સરકાર જોડે માંગ કરાઇ કે ત્યાંના હિન્દુની સુરક્ષા પૂરી પાડવામાં આવે. હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા યોજવામાં આવેલી રેલી તાપી જિલ્લાના મુખ્યમથક વ્યારા ખાતે યોજાઇ હતી. જેમાં વ્યારાના સયાજી ગ્રાઉન્ડથી વ્યારા શહેરમાં રેલી ફરી હતી. જેમાં વ્યારાના રાજકારણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
તાપી જિલ્લા હિન્દુ હિત રક્ષા સમિતિના સંયોજક રાહુલ શિમ્પીએ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશની અંદર શેખ હસીના સરકારને લોક તાંત્રિક રીતે હટાવીને ધર્માંધ સરકાર ત્યાં આવી ગઈ છે અને ત્યાં જે હિન્દુ સમાજ છે અને બીજા અલ્પસંખ્યક સમાજ પણ છે. જેમાં શીખ, યહૂદી, પારસી, ઈસાઈએ બધા પર અમાનુષ અત્યાચાર અને હુમલાઓ થાય છે. આ હુમલાઓને અમે વખોડી નાખીએ છીએ અને બંગલાદેશ સરકાર પર દબાણ લાવવા માટે ભારત સરકારને આ આવેદન આપીએ છીએ કે બાંગ્લાદેશમાં થતાં હિન્દુઓ પર અત્યાચારો અટકે, મંદિરોને સુરક્ષા પૂરી પાડવામાં આવે.
નર્મદામાં હિન્દુ સંગઠનોએ કાઢી રેલી
નર્મદા જિલ્લના મુખ્ય મથક રાજપીપલા ખાતે વિશ્વ હિંદુ પરિષદ અને અન્ય હિંદુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કરી રેલી કાઢીને બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ કર્યો છે અને જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું છે. હિંદુ સંગઠનોએ કહ્યું છે કે, સાધુસંતો પર અત્યાચાર સહન કરવામાં આવશે નહીં. હિંદુ સંગઠનોએ માંગણી કરી છે કે, બાંગ્લાદેશમાં ધરપકડ કરાયેલા ઈસ્કોનના સંતોને પણ મુક્ત કરવામાં આવે.
પોરબંદરમાં પણ પડ્યા પડઘા
પોરબંદરમાં હિન્દુ સંગઠનોએ એકત્રિત થઈને ઇસ્કોનના સંત ચિન્મયકૃષ્ણદાસજીને તાત્કાલીક જેલ મુક્ત કરવા પ્રયાસ તથા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોને તાત્કાલીક બંધ કરાવવામાં આવે માંગ કરી હતી. સાથે જ તેમણે, પીડીતોને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવી. હિન્દુ ધાર્મિક સ્થાનોની સુરક્ષા વધારવા અને અત્યાચારોને રોકવા માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારાઓ કરાવવા આ માંગણીઓને ગંભીરતાથી લઇને યોગ્ય પગલા ભરવા આવેદન પત્ર પાઠવાયું હતું. મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: