રાજકોટઃ અત્યારે ખેડૂતો નકલી બિયારણના ઉપયોગને પરિણામે ખેતીમાં નુકસાન વેઠી રહ્યા છે. અસલી બિયારણ જેવું પેકિંગ અને લખાણ કરીને ખેડૂતોને લાલચુ વેપારીઓ છેતરી રહ્યા છે. ખેડૂતોને આ મુશ્કેલીમાંથી ઉગારવા સાંસદ રામ મોકરિયા મેદાને પડ્યા છે. તેમણે રાજ્ય સરકારને આવા વેપારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તેમજ નવો કાયદો બનાવવા અને ત્યાં સુધી જૂના કાયદામાં સુધારો કરીને આ વેપારીઓની સાન ઠેકાણે લાવવા અપીલ કરી છે.
સાંસદ પોતે ખેડૂતપુત્રઃ રાજ્યસભા સાંસદ રામ મોકરિયા પોતે એક ખેડૂત પુત્ર છે. તેથી ખેતી વિષયક સમસ્યાઓથી સારી રીતે વાકેફ છે. તેમજ તેઓ કોઈ કાર્યક્રમમાં જાય અથવા કોઈ ગામની મુલાકાતે જાય ત્યારે ખેડૂતો નકલી બિયારણની વ્યાપક ફરિયાદો કરતા હોય છે. ખેડૂતોને નકલી બિયારણને લીધે ઘણું મોટું આર્થિક નુકસાન ભોગવવું પડતું હોય છે. આ નુકસાન એટલું મોટું હોય છે કે રાજ્ય કે કેન્દ્ર સરકારની યોજનાઓના લાભો પણ ખેડૂતોને બરબાદ થવામાંથી બચાવી શકતા નથી. તેથી ખેડૂતોની નકલી બિયારણોની વ્યાપક ફરિયાદોને સરકાર સુધી સાંસદે પહોંચાડી છે. તેટલું જ નહીં સાંસદે ખેડૂતોને છેતરતા આવા લાલચુ વેપારીઓ વિરુદ્ધ કડક કાયદાની પણ માંગણી કરી છે. હયાત કાયદામાં પણ સુધારો કરીને ખેડૂતોને બરબાદ કરતા વેપારીઓ પર દંડનીય કાર્યવાહી કરવાની અપીલ સાંસદ રામ મોકરિયાએ કરી છે.
હું પણ એક કિસાન પુત્ર છું મને ખેતી વિષયક સમસ્યાનો અંદાજ છે. તેમજ ખેડૂતોએ મને વારંવાર નકલી બિયારણની ફરિયાદ કરી છે. મેં આ સમસ્યાના ઉકેલ માટે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે અને વાત પણ કરી છે. કેટલાક વેપારીઓ સર્ટિફાઈડ નકલી બિયારણ બનાવીને વેચે છે જેના કારણે ઘણા બધા ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે. પાણીનો પણ મોટા પ્રમાણમાં બગાડ થાય છે. એવામાં મે રાજ્ય સરકારને આ મામલે રજૂઆત કરી છે કે નકલી બિયારણ વેચતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. કેન્દ્ર અને ગુજરાત સરકાર ખેડૂતો માટે અનેક સારી સારી યોજનાઓ લાવે છે, પણ આ નકલી બિયારણની સમસ્યાથી થતા નુકસાનમાંથી ખેડૂતને બચાવવા સરકાર કડક પગલાં ભરે તેવી માંગણી મેં કરી છે...રામ મોકરિયા(સાંસદ, રાજ્યસભા)