રાજકોટઃ પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના થોરાળા ખાતે કૌટુંબિક મતભેદે યુવકનો જીવ લીધો છે. બનાવની વિગત મુજબ કૌટુંબિક ભત્રીજાનું અપહરણ કર્યુ અને મૂઢમાર માર્યો. આ મૂઢમાર જીવલેણ નીકળતા યુવકે જીવ ગુમાવ્યો છે.
સમગ્ર ઘટનાક્રમઃ ઉલ્લેખનીય છે કે આ બનાવમાં જેતપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પતિ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હિનાબેન બારૈયાના પતિ તેમજ રાજકીય આગેવાન એવા રાજેશ બારૈયા વિરુદ્ધ ગુનો નોંધાયો છે. બનાવના દિવસે રાજેશ બારૈયાએ પોતાની કારમાં હિતેશ ઉર્ફે હિતેન બારૈયાનું અપહરણ કરી લીધું હતું. અપહરણ બાદ ઓળખીતા નીતિન મકવાણાની વાડીએ યુવકને લઈ જવામાં આવ્યો. ત્યાં હિતેશને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ઢોરમાર જીવલેણ સાબિત થતા યુવકનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
હત્યાનો ગુનો દાખલઃ યુવકના મૃત્યુ બાદ તેના મોટાભાઈ દ્વારા વીરપુર પોલીસ સ્ટેશનમાં કુલ 9 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી. આરોપીઓ સામે I.P.C. કલમ 302, 323, 506(2), 365, 120(B), 147, 148, 149 તેમજ G.P. એકટ 135 લગાડી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસે કુલ 7 આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધા છે. તેમજ જે બે આરોપી ફરાર છે તેમને ઝડપી લેવા માટે કવાયત હાથ ધરી છે. પોલીસે યુવકના મૃતદેહના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખાતે મોકલી આપ્યો છે.
રાજકીય દબાણઃ આ બનાવમાં રાજકીય આગેવાનોના નામ ખુલ્યા હોવાથી રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. રાજકીય દબાણ કરીને કેસને લૂલો બનાવવાની શંકા સેવાઈ રહી છે. જો કે પોલીસ આ કેસમાં કેવી કામગીરી કરશે તેના પર પણ લોકો મીટ માંડીને બેઠા છે.