રાજકોટ : રાજકોટમાં હત્યાના બનાવો જાણે સામાન્ય બની ગયા હોય તેમ એક બાદ એક હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં આજે રાજકોટમાં ડબલ મર્ડર ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના પાંજરાપોળ નજીક આવેલ એમબીએસ ઓર્નામેન્ટ નામના કારખાનામાં આ હત્યાનો બનાવ સામે આવ્યો છે.
મૃતક બંને કારીગરો બંગાળી : આ બનાવમાં ચોરીનો મામલો પણ સંકળાયેલો છે. કારખાનામાં કામ કરતા રાહુલ શેખ નામના કારીગરે અન્ય કારખાનામાં કામ કરતા મીનું નામના કારીગરને આ ચોરાઉ ચાંદી આપ્યું હતું. જેના આધારે બંને શ્રમિકોને ઢોર મારવામાં આવ્યો હતો. તેમજ માર મારતા બાદ કારખાનાની ઓરડીમાં બંધ કરવામાં આવ્યા હતા. જ્યાં આ બંને કારીગરોનું મોત થયું છે. મૃતક બંને કારીગરો પશ્ચિમ બંગાળના રહેવાસીઓ હોવાનું સામે આવ્યું છે.
થોરાળા પોલીસ મથક વિસ્તારમાં આ ડબલ મર્ડરનો બનાવ બન્યો છે. જ્યારે બનાવ એમબીએસ ઓર્નામેન્ટ નામના કારખાનામાં આવ્યો છે. જેના માલિક સાગરભાઈ સાવલિયા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે રાહુલ નામનો શ્રમિક આ કારખાનામાં કામ કરતો હતો. ત્યારે મીનું નામના શ્રમિકને તે ચોરીનો માલ આપતો હતો. આ બનાવની જાણ કારખાનેદારને થતા તેઓ રાહુલ અને મીનુંને કારખાને લઈને આવ્યા હતાં અને ઢોર માર માર્યો હતો અને રાતભર ઓરડીમાં પૂરી દીધા હતાં. જ્યારે આ હત્યાના બનાવમાં સાગર સાવલિયા સાથે કારખાનાનો મેનેજર વિપુલ ઉર્ફે પિન્ટુ મોલિયા, હિમાલય, ધવલ તેમજ મજૂરોનો જેને કોન્ટ્રાકટ રાખ્યો હતો પરંતુ એવા પ્રદીપ અને તન્મય એમ છ જેટલા લોકો સામેલ હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે...સજજનસિંહ પરમાર ( ડીસીપી )
100 ગ્રામ જેટલું ચાંદી પકડાયું હતું : ડીસીપી સજજનસિંહ પરમારે વધુમાં જણાવ્યું હતું કે કારખાનામાં અંદાજિત ત્રણ કિલો જેટલી ચાંદીની ઘટ આવી હતી. એટલે કારખાનામાં ચોરી થઈ હોવાનું પ્રાથમિક અનુમાન હતું. જેના કારણે કારખાનામાં કામ કરતા મેનેજર અને માલિક સહિતના લોકોએ વોચ રાખી હતી. એવામાં રાહુલ શેખ નામનો કારીગર પાસેથી અંદાજિત 100 ગ્રામ જેટલું ચાંદી પકડાયું હતું. જેને આધારે તેને આ ચાંદી કોને આપતો હોય તેની પૂછપરછ કારખાનાના મેનેજર અને માલિક દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આ ઘટનામાં મીનુંનું નામ ખુલ્યું હતું.
સવારે મૃત હાલતમાં મળ્યાં : ત્યારબાદ આ બંનેને પકડીને કારખાનાના માલિક અને મેનેજર દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો અને ઓરડીમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે સવારે ઓરડી ખોલી હતી. ત્યારે આ બંને જણા મૃત અવસ્થામાં મળી આવ્યા હતા એટલે કે ડબલ મર્ડરનો ગુનો બન્યો હતો. આ બંને મૃતક શ્રમિકો મૂળ પશ્ચિમ બંગાળના છે ત્યારે હાલ આ સમગ્ર મામલે થોરાળા પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.