ધોરાજી : રાજકોટ જિલ્લાના ધોરાજી પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 28 જાન્યુઆરી 2020 ના દુષ્કર્મનો ભોગ બનનાર વિધવા મહિલાએ એક પોલીસ ફરિયાદ લખાવેલી હતી. પીડિતા 24 જાન્યુઆરી 2020 ના રોજ પોતાના બાળકો સાથે પોતાના ઘરે સૂતા હતા ત્યારે સંજયગર ઉર્ફે ચીકુ કાંતિગર મેઘનાથી તેના ઘરે આવેલ અને તેના પત્ની ભાવનાબેન ઉર્ફે ભાવલી વા./ઓ. સંજયગર ઉર્ફે ચીકુ કાંતિગર મેઘનાથી પણ સાથે આવેલ હતા. જેમાં સંજયગર ઉર્ફે ચીકુએ પોણા બે વાગે ધરારીથી ભોગ બનનારના કપડા ઉતારી અને તેમની સાથે દુષ્કર્મ આચરેલું હતું અને આ વખતે, આરોપી સંજયગર ઉર્ફે ચીકુના પત્ની ભાવના ઉર્ફે ભાવલી ઘરની બહાર ધ્યાન રાખીને ઉભા હતા તેવો એક બનાવ સામે આવ્યો હતો.
દુષ્કર્મના કેસમાં પતિપત્નીને દોષિત : આ બનાવ બાદ સમગ્ર મામલે દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાતા તત્કાલીન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એમ. વસાવાએ આ બનાવ અંગેની તપાસ કરી હતી જેમાં તેમણે મુદત હરોળ તપાસ પૂર્ણ કરી અને ચાર્જશીટ કર્યું હતું. ત્યારબાદ ધોરાજી સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલેલો હતો. આ કેંસમાં સરકાર પક્ષે પબ્લિક પ્રોસિકયુટર કાર્તિકેય પારેખ રોકાયેલા હતા. આ કેસમાં પુરાવો નોંધાઈ ગયા બાદ તેમણે દલીલ કરેલી હતી કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટ પ્રમાણે આરોપ સાબિત થતો હતો.
મહિલાની મદદગારી ગંભીર : આ કેસમાં ભોગ બનનાર વિધવા છે અને ભોગ બનનારના કથનને મેડિકલ તથા સાયન્ટિફિક રિપોર્ટનું સમર્થન મળી રહ્યું છે ત્યારે ભોગ બનનારની વાતને ન માનવાને કોઈ કારણ નથી તેવી બાબત સામે આવી હતી. આ બનાવમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, કોઈપણ સ્ત્રી દુષ્કર્મનો ખોટો ફેસ કરે જ નહીં. ત્યારે આ કેસમાં આરોપી નંબર બે એટલે કે ભાવનાબેન ઉર્ફે ભાવલી વા./ઓ. સંજયગર ઉર્ફે ચીકુ કાંતિગર મેઘનાથી મહિલા હોવા છતાં, આરોપી નંબર એક સંજયગર ઉર્ફે ચીકુ કાંતિગર મેઘનાથીની મદદગારી કરેલી છે અને દરવાજા બહાર ધ્યાન રાખી અને બનાવને અંજામ અપાવેલ છે તેને હળવાશથી લઈ શકાય નહીં અને આરોપીઓને તકસીરવાન ઠરાવવા રજૂઆત કરી હતી.
આકરી કેદની સજા અને દંડ : ધોરાજીમાં બનેલ આ બનાવમાં ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખે આ મામલામાં સમગ્ર પુરાવો તથા કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતોને ધ્યાને લઇ અને આરોપી સંજયગર ઉર્ફે ચીકુ કાંતિગર મેઘનાથી તથા તેમના પત્ની ભાવનાબેન ઉર્ફે ભાવલી વા./ઓ. સંજયગર ઉર્ફે ચીકુ કાંતિગર મેઘનાથી ભારતીય દંડ સંહિતાની કલમ 376, 323 તથા 114 મુજબ આ કેસમાં તકસિરવાન ઠરાવી બન્નેને 10 વર્ષની આકરી કેદની સજા અને રૂપિયા 5000 દંડ ફટકારેલ છે.