રાજકોટ: શહેરના નિર્મલા રોડ પર સિલ્વર આર્ક એપાર્ટમેન્ટ 202 નંબરના ફલેટમાં દિલ્હીથી નોકરાણી તરીકે આવીને માત્ર બે દિવસ ઘરકામ કરી લાખોની મતા લઈને ફરાર થઈ ગયેલી પરપ્રાંતિય મહિલાને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એક મહિના બાદ અંતે દિલ્હી ખાતેથી વેશપલ્ટો કરીને ઝડપી પાડી છે. જસ્ટ ડાયલ થકી મેઈડ પ્લેસમેન્ટ એજન્સીના નામે કર્ણાટકના બેંગ્લુરૂ, ઉતરાખંડના હરિદ્રાર, યુ.પી.ના મોરાબાદા સહિતના સ્થળે પણ ઘરોમાં ચોરી કર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે મુખ્ય સૂત્રધાર દિલ્લીની મહિલાની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તેમજ તેમના સાથી બે સાગરીતોની શોધખોળ હાથ ધરી છે.
આરોપી મહિલા ઝારખંડની રહેવાસી: આરોપી મહિલા મુળ ઝારખંડ રાજ્યના રામગઢ જિલ્લાના દુદુઆ ગામની વતની છે. તે દિલ્હીમાં તેના સાગરીત શ્યામ અને વિશાલ સાથે મળી અલગ અલગ રાજ્યોમાં ઘરકામ માટેની મહિલા બનીને હાથફેરો કરવાની મોડેસ ઓપરેન્ડી ધરાવતી હતી. વિશાલ અને શ્યામ બન્ને પ્લેસમેન્ટ એજન્સી ચલાવતા હોવાનો અને જસ્ટ ડાયલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેથી કોઇને કામવાળાની જરૂર હોય અને મદદ માટે જસ્ટ ડાયલમાં કોલ કરે તો ત્યાંથી નંબર મળતો હતો. નંબર પર સંપર્ક કરનારાઓને કામવાળી તરીકે અનુદેવીને મોકલી દેવાતી હતી.
પોલીસ ફરિયાદ: આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર સિલ્વર આર્ક એપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદી પ્રાંચીબેન ગૌરાગભાઇ કોટેચાએ જસ્ટ ડાયલ થકી દિલ્હીની મેઈડ પ્લેસમેન્ટ એજન્સીનો ઓનલાઈન સંપર્ક કર્યો હતો. સોની શકિતકુમોર મિશ્રાને ગત મહિને કામ પર રાખવામાં આવી હતી. જેમાં મેઈડ પ્લેસમેન્ટ એજન્સીને મહિલાને કામ પર રાખવા અંગે કમિશન પણ ચૂકવવામાં આવ્યું હતું. બે દિવસ ઘરકામ કર્યા બાદ મકાનમાલિક મહિલા બહાર ગયા હતા અને તેનો પતિ બહારગામ હતો જેથી મોકાનો ફાયદો ઉઠાવી ઘરમાંથી સોનાના દાગીના-વીંટી સહિતનો મુદામાલ ઉઠાવીને અનુદેવી ફરાર થઇ ગઇ હતી. જેને લઈ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.
'રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે અલગ-અલગ વિસ્તારમાં CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી દરમિયાન ક્રાઈમ બ્રાંચના ASI ફિરોઝભાઈ શેખ, વિક્રમભાઇ લોખીલ, મોહિલરાજસિંહ ગોહિલને મહિલા દિલ્હી હોવાની માહિતી મળી હતી. ટીમ તપાસમાં દિલ્હી ખાતે પહોંચી હતી. દિલ્હીમાં પણ મહિલા સતત પોતાનું રહેણાંક બદલતી રહેતી હતી અને કોઈ પુરાવાઓ છોડતી ન હતી. એ દરમિયાન મહિલાના રહેણાંકની ચોક્કસ માહિતી મળી હતી. જે વિસ્તાર પણ સંવેદનશીલ વિસ્તાર હોવાથી રાજકોટથી પહોંચેલી ક્રાઈમ બ્રાયની ટીમે સ્થાનિક પોલીસની મદદ લીધી હતી અને થોડા દિવસ વેશપલ્ટો કરીને એ વિસ્તારમાં રોકાણ કર્યુ હતું અને મોકો મળતા આરોપી મહિલા અનુદેવીને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.' -ભરત બસિયા - ACP, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ
બે સાગરીતની શોધખોળ હાથ ધરી: રાજકોટમાં બનેલ આ બનાવ બાદ હાલ પોલીસે મહિલાની ધરપકડ કરી તેની પાસેથી 19,000 રોકડ તેમજ 30,000 કિંમતના બે મોબાઈલ અને સોના ચાંદીના દાગીના મળી કુલ 7.24 લાખનો મુદામાલ કબ્જે કરી તેના બે સાગરીતની શોધખોળ હાથ ધરી છે. પોલીસને હજુ વધુ ગુનાના ભેદ ઉકેલાય તેવી આશંકા છે જેના આધારે મહિલાના રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવી પણ માહિતીઓ સામે આવી છે.