રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકામાં નવા કમિશનરની નિમણૂંક થયા બાદ અને વિપક્ષનું પદ નાબૂદ થયા બાદ પ્રથમ વખત જનરલ બોર્ડ મળ્યું હતું. જેમાં કોંગ્રેસના એક જ નગરસેવક હાજર રહ્યા હતા. તેમજ શાસક પક્ષના જ મોટાભાગના કોર્પોરેટરો હાજર રહ્યા હતા. એવામાં જનરલ બોર્ડમાં જ્યારે પ્રશ્નોત્તરી ચાલી રહી હતી. ત્યારે કેટલાક નગરસેવકો મોબાઇલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા.
સવાલ ઊભા થયાઃ એવામાં સવાલો ઊભા ઊભા થાય છે કે પ્રજાના પ્રશ્નો માટે જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ જાણે જનરલ બોર્ડમાં નગરસેવકો નહીં કોઈ રસ જ ન હોય તે પ્રકારે મોબાઈલ ફોનમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. જેને લઈને તેઓ ચર્ચાનું કારણ બન્યા હતા. આજે યોજાયેલી જનરલ બોર્ડમાં 26 જેટલા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેના જવાબ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા હતા.
મોબાઇલમાં વ્યસ્ત: રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ આજે સવારે 11:00 વાગે યોજાઈ હતી. જનરલ બોર્ડ શરૂ થઈ ત્યારે શાસક પક્ષના કોર્પોરેટરો દ્વારા પોત પોતાના વિસ્તારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેના જવાબો મનપાના જે તે વિભાગના અધિકારીઓ આપી રહ્યા હતા. ત્યારે આ બધાની વચ્ચે કેટલાક નગરસેવકો મોબાઇલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા.
"મને મેસેજ આવ્યો હતો અને વિસ્તાર વાસીઓ દ્વારા આ મેસેજ કરવામાં આવ્યો હતો. જેનો હું જવાબ આપી રહ્યો હતો. તેમજ જનરલ બોર્ડમાં મોબાઇલનો ઉપયોગ કરવો તે યોગ્ય નથી. જ્યારે આજની જનરલ બોર્ડમાં 12 પ્રશ્નો પૂછાયા હતા. તેમજ મારા વોર્ડમાં પણ પાણી, રોડ રસ્તા અને ભૂગર્ભના પ્રશ્નો હતા તે પણ મેં મૂક્યા હતા"--સંજયસિંહ વાળા (વોર્ડ નંબર 18ના કોર્પોરેટર )
શુ થશે કાર્યવાહી: અવાર-નવાર નેતાઓ અને સરકારી તંત્રના જ અધિકારીઓની બેદરકારી સામે આવતી હોય છે. પંરતુ દરેક નિયમ લોકોને થોપતા પહેલાં અધિકારીઓએ પણ પોતાની તો નહીં પરંતુ સરકારી તંત્રની મર્યાદાની જાળવણી કરવી જોઇએ. રાજકોટમાં શાસક પક્ષના નગર સેવકો મોબાઇલમાં વ્યસ્ત જોવાની ઘટના સામે આવ્યા બાદ આ મામલે રાજકોટના મેયર પ્રદીપ ડવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં લોકોના પ્રશ્નો ચર્ચા થતી હોય છે. જ્યારે જે તે વિસ્તારના કોર્પોરેટરો જાગૃત રહીને લોકોના પ્રશ્નોની ચર્ચામાં ભાગ લેતા હોય છે.
"એવામાં આજની જનરલ બોર્ડમાં જે પણ કોર્પોરેટરો સોશિયલ મીડિયામાં વ્યસ્ત જોવા મળ્યા છે. ત્યારે આગામી જ્યારે જનરલ બોર્ડ બેસવાની હોય તે અગાઉ અમારી સ્ટેન્ડિંગ સંકલન સમિતિ બેસતી હોય છે તેની સાથે જનરલ બોર્ડની પણ સંકલન બેસે છે. તેમાં આ પ્રશ્ન ગંભીરતા સાથે મૂકવામાં આવશે. જ્યારે કોઈ ઇમર્જન્સી કોલ હોય તો એક કલાક મોબાઇલ બંધ રાખીને ત્યારબાદ તેનો ઉપયોગ કરવો જોઈએ. હું પોતે પણ મારા જનરલ બોર્ડ દરમિયાન મારા મોબાઈલનો ઉપયોગ કરતો નથી"-- પ્રદીપ ડવ (રાજકોટના મેયર)
તંત્ર મસ્ત જનતા ત્રસ્ત: નેતાઓ પણ ઉંધતા ઝડપાઇ છે. ખાસ કોઈ પગલાં લેવામાં નહીં આવે કારણ કે તે સત્તા છે અને સત્તામાં રહેલા ધારાસભ્યો છે. જેના વિરોધમાં કે તેમના વિરુધ કોઇ કાર્યવાહી કરવી તે જ એક મોટો ગુનો થઇ જાય છે. જેનાથી તંત્ર મસ્ત જનતા ત્રસ્ત જ રહેવાની છે. હાલ તો પ્રદીપ ડવ આપેલી માહિતી અનુસાર આ પ્રશ્ન ગંભીરતા સાથે મૂકવામાં આવશે.