- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારીત અધ્યાપકોની ભરતીને લઈને વિવાદ
- રાજકોટ NSUI દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ઉગ્ર વિરોધ
- શિક્ષણ પ્રધાને આ મામલે તપાસના આદેશ આપ્યા
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારીત અધ્યાપકોની ભરતીને લઈને આજે NSUI દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. NSUI દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ભાજપના સિન્ડિકેટ સભ્યો દ્વારા પોતાના પસંદગીના નામો માટે સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવ્યું હતું. અને તેમાં પોતાના લાગતા વળગતા લોકોના રજૂ કરવામાં આવ્યા હતાં. ભરતી મામલે સોશિયલ મીડિયા ગ્રુપમાં થયેલી વાતો લીક થઈ હતી. જે મામલે આજે રાજકોટ NSUI દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે સમગ્ર મામલે NSUI દ્વારા કુલપતિને પણ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ભાજપના સિન્ડિકેટ સભ્યોના લાગતા વળગતાઓને પ્રોફેસરની નોકરીએ રાખવાની વાત અંગેની પણ રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે આ વિવાદ એટલો ઉગ્ર બન્યો હતો કે, રાજ્યના શિક્ષણ પ્રધાન પણ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
શિક્ષણ પ્રધાને તપાસના આદેશ આપ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારીત અધ્યાપકોની ભરતી મામલે વિવાદ સામે આવતા રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત ભરતી મામલે વિવાદ થતાં મેં યુનિવર્સિટીના કુલપતિ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમજ ભરતી મામલે સમગ્ર પ્રક્રિયા પારદર્શક, મેરીટ આધારિત અને કોઈ પણ ઉમેદવારને અન્યાય ન થાય તે રીતે યોજવાની સૂચના પણ આપી હતી. જ્યારે આ મામલે અગ્ર સચિવ અને શિક્ષણ વિભાગને પણ યોગ્ય કાર્યવાહી કરવાની સુચના આપી છે.
ભરતી પ્રક્રિયા ફરીથી યોજવાની NSUIની ઉગ્ર માંગ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારીત અધ્યાપકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે આ ભરતી પ્રક્રિયા પહેલાં ભાજપના સભ્યોના લાગતા વળગતા લોકોને નોકરી આપવા અંગેનું એક સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. આ ગ્રુપની તમામ વાતો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ હતી જે NSUIને ધ્યાને આવતા તેમના દ્વારા આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. તેમજ એવી પણ માંગ કરવામાં આવી છે કે, આ ભરતી પ્રક્રિયાને તાત્કાલિક રદ કરવામાં આવે અને ફરીથી નવી ભરતી ભરતી પ્રક્રિયા યોજવામાં આવે.
આ પણ વાંચોઃ રાજકોટમાં ભવ્ય આતશબાજી સાથે સૌરાષ્ટ્રના સૌથી મોટા રાવણનું દહન
આ પણ વાંચોઃ રાજકોટમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીના રાવણનું દહન, પોલીસે કોંગી કાર્યકરોની કરી અટકાયત