પ્રતિષ્ઠાના જંગ સમાન બનેલી ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીના પરિણામો જાહેર થતા ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારોનો વિજય થયો હતો. જેમાં સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, બેંકના માજી ચેરમેન અને સહકારી આગેવાન જયંતિભાઈ ઢોલનો વિજય થયો હતો. જ્યારે પ્રતિસ્પર્ધી પેનલમાં બેંકના પૂર્વ ચેરમેન હિતેશભાઈ દેસાઈ તથા તેમના સાથીદારો ઓમદેવસિંહ જાડેજા વિજય બન્યા હતાં. અલબત્ત તેમની પેનલના અન્ય ઉમેદવારો પરાજિત થયા હતાં.
ડેલિકેટ પ્રથા નાબૂદ થયા બાદ દસ વર્ષના લાંબા સમયગાળા બાદ યોજાયેલી નાગરિક સહકારી બેંકની ચૂંટણી ભારે ઉત્તેજનાત્મક બની હતી અને દસ વર્ષ બાદ નાગરિક સહકારી બેંક પર ભાજપનો ભગવો લહેરાયો હતો જેને લઇ ફરી બેંકના સુકાન તરીકે જયંતીભાઈ પટેલની સર્વાનુમતે નિમણુંક થઈ હતી.
ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારો રમેશભાઈ ધડુકને 4360, જયરાજસિંહ જાડેજા 4276, જયંતિભાઈ ઢોલ 4226, ડોક્ટર પ્રમોદભાઇ પટેલ 4175, કુરજીભાઈ વિરડીયા 4127, પ્રહલાદભાઈ પારેખ 4099, શારદાબેન ઢોલ 4080, દુર્ગાબેન જોશી 4027 મત મળ્યા હતાં. આ પેનલના કિશોરભાઈ મહેતા અને સુરેશભાઈ પાલડીનો પરાજય થયો હતો.
સામાપક્ષે સતિષભાઈ દેસાઈને 4127 તથા રામદેવસિંહ જાડેજાને 4013 મત મળ્યા હતાં. જ્યારે તેમની પેનલના પંકજભાઈ રાયચુરા, પંકજભાઈ આસોદરીયા, વલ્લભભાઈ કનેરીયા, ધીરજલાલ ખાખરા, ગૌરાંગભાઈ મહેતા, અનિલભાઈ સચદે, બીનાબેન રૈયાણી, તથા જયશ્રીબેન ભટ્ટનો પરાજય થયો હતો. ચૂંટણીમાં 62905 સભાસદોમાંથી 9292 સભાસદોએ મતદાન કર્યું હતું. ચેરમેન ચૂંટણી સમયે પોલીસ કાફલાએ બંદોબસ્ત જાળવ્યો હતો.