રાજકોટ : ચૂંટણી પંચ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ખાલી પડેલી બે બેઠકો પર પેટા ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ચૂંટણીની જાહેરાત થતાં રાજકોટના વોર્ડ નંબર 15 વિસ્તારમાં આચારસંહિતા લાગી ગઈ છે. આગામી 6 ઓગસ્ટના રોજ વોર્ડ નંબર 15 ની બે બેઠકો પર પેટા ચૂંટણી માટે મતદાન હાથ ધરાશે. ત્યારબાદ 8 ઓગસ્ટના રોજ આ બેઠક માટેનું પરિણામ જાહેર થશે. હાલમાં કોંગ્રેસ પક્ષ આ બે બેઠકો પર ચૂંટણી લડવા માટે કોને ટિકિટ આપશે તેના પર સૌની નજર છે.
ગત વર્ષની સ્થિતિ : રાજકોટ મનપામાં કુલ 72 બેઠકો છે. જેમાંથી ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને 68 બેઠક મળી હતી. તેમજ કોંગ્રેસને માત્ર 4 બેઠકો જ મળી હતી. કોંગ્રેસના વોર્ડ નંબર 4 ના તમામ ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. જેમની સાથે રાજકોટ મનપાના કોંગ્રેસના બે કોર્પોરેટર વશરામ સાગઠીયા અને કોમલ ભારાઇ પણ ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. જોકે, ઇન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટમાં રાહુલ ગાંધીની સભા દરમિયાન ફરી કોંગ્રેસમાં જોડાઈ જતા રાજકારણમાં પણ ગરમાવો આવ્યો હતો. ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં જોડાયા બાદ આપમાં ગયેલા કોર્પોરેટર વશરામ સાગઠીયા અને કોમલ ભરાઈ પણ કોંગ્રેસ સાથે જોડાયા હતા.
રાજકોટના ઇતિહાસમાં જ્યારે પેટા ચૂંટણી કોઈ બેઠક પર યોજાઈ છે. ત્યારે આ બેઠક પર સત્તાધારી પક્ષની જ જીત થઈ છે. ત્યારે આ વખતે મનપાની બે બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. જ્યાં અગાઉ કોંગ્રેસના કોર્પોરેટર ખૂબ જ પાતળી સરસાઈથી જીત્યા હતા. જ્યારે આ જીતેલા કોંગ્રેસના કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં ગયા હતા. જેના કારણે આ કોર્પોરેટરો ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. આ બેઠક પર હવે પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ પૂર્વ કોર્પોરેટર ફરી કોંગ્રેસમાં જોડાતા હવે આ વિસ્તારમાં તેમના વિરુદ્ધ પક્ષમાં જ આંતરિક વિરોધ જોવા મળી રહ્યો છે. -- સુરેશ પારેખ (વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક)
ગેરલાયક કોર્પોરેટર : કોંગ્રેસમાંથી ચૂંટાયેલા વશરામ સાગઠીયા અને કોમલ ભરાઈ આમ આદમી પાર્ટીમાં ગયા બાદ આ મામલે કોંગ્રેસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. તેઓના વિરુદ્ધ પક્ષાંતર ધારા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં આ બન્ને કોર્પોરેટરને ગેરલાયક જાહેર કરવામાં આવ્યા હતા. જેના કારણે રાજકોટ મનપાના વોર્ડ નંબર 15 ની ચાર બેઠકોમાંથી બે બેઠકો ખાલી થઈ હતી. જેને લઇને આ બેઠકો માટે ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણી જાહેરાત કરવામાં આવી છે. જેમાં આગામી 17 જુલાઈ આ માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થશે. 22 જુલાઈએ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લો દિવસ છે. 24 જુલાઈ ઉમેદવારી પત્રોની ચકાસણી અને 25 જુલાઈ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લો દિવસ છે. 6 ઓગસ્ટે મતદાન તથા 8 ઓગસ્ટના રોજ પરિણામ જાહેર થશે.