ગોંડલ શહેરના નેશનલ હાઈવે પર આવેલ માર્કેટીંગ યાર્ડ પાસે દ્વારકેશ પાર્ક સોસાયટીમાં રહેતા નીતાબેન ગોંડલીયા (ઉં.વ. 34) અને તેમના માતા રસીલાબેન હરીયાણી (ઉ.વ.64) બપોરે 1 વાગ્યે ઉમવાડા ચોકડી પાસે સ્કુટી પેપ ઉપર પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ સમયે સામેથી આવી રહેલા ટ્રક ચાલકે સ્કુટીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં માતા-દિકરીનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું.
આ અકસ્માતની જાણ નીતાબેનના પતિ દિવ્યેશભાઈને થતાં તુરંત જ સરકારી હૉસ્પીટલે દોડી આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, તેમના સાસુ એટલે કે, રસીલાબેન ગતરાત્રીના જ ગોંડલ આવ્યા હતા. આગામી બુધવારે તેમના નૂતન ગૃહનું વાસ્તુ હોવાથી માતા દીકરી શહેરમાંથી ખરીદી કરી પરત ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. નીતાબેન અને દિવ્યેશભાઈને સંતાનમાં 9 વર્ષનો 1 પુત્ર છે. ત્યારે અકાળે એકના એક પુત્રે માતાની છત્રછાયા ગુમાવતા પરિવાર શોકમગ્ન બન્યો હતો.
માહિતી પ્રમાણે નીતાબેન આદર્શ ગૃહિણીની સાથે ટિફિન કેટરિંગનો પણ વ્યવસાય કરી ગુજરાન ચલાવવામાં પતિનો સાથ આપતા હતા. જ્યારે દિવ્યેશભાઈ હડમતાળા GIDCમાં કોસ્મો ટેક્નોકાસ્ટ ફેક્ટરીમાં નોકરી કરે છે.