રાણાવાવ નગરપાલિકાના પ્રમુખ ઓસ્માણ નાઈના જણાવ્યા મુજબ, રાણાવાવ નગરપાલિકામાં અનેકવાર ચોરી થાય ત્યારે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવે છે. ત્યારે માત્ર અરજી આપી દો તેમ કહેવાય છે અને ફરિયાદ પણ લેવાતી નથી. રાણાવાવ નગરપાલિકામાં હાજરી પુરવાનું મશીન, પાણીની ઇલેક્ટ્રિક મોટર, કેબલ, ડસ્ટબિન અને LED સ્ટ્રીટ લાઇટ વગેરે સાધનોની ચોરી થઈ હતી તેની ફરીયાદ નોંધવામાં આવી હતી. તેમજ ભાડે આપેલું પાણીનું એક ટેન્કર ભરત કર્યું નથી. ચીફ ઓફિસરને અપમાનિત કરવામાં આવ્યા હતા જ્યારે ડીમોલેશન માટે ગયા તે સમયે પેશકદમી દાર તથા અન્ય લોકોએ મોબાઈલમાં અપશબ્દો લખી વાયરલ કરવામાં આવ્યું હતું.
આ બધી ફરીયાદો અને સાઇબર ક્રાઇમની ફરિયાદ અંગે પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. તદ્ઉપરાંત પાલિકાના એન્જિનિયરને ધમકાવ્યા હતા. તેમ જ પાલિકાની બદનામી થાય તેવી નનામી પત્રિકા છપાવી વિતરણ કરી 14 જેટલી ફરિયાદો રાણાવાવ પોલીસને કરવામાં આવી છે, પરંતુ પોણા બે વર્ષના સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા હજુ સુધી કરવામાં આવી નથી. જેથી રાણાવાવના પાલિકા પ્રમુખ ઓસ્માણ નાઈએ એસપીને રજુઆત કરી હતી અને તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરી ફરિયાદોને ધ્યાને લેવામાં આવે તેવી માંગ કરી હતી.