પોરબંદર : માનવ કલ્યાણ અને એકતા માટે પંજાબી યુવક અનોખી પદયાત્રા કરી રહ્યો છે. આ યુવાને 14,000થી વધુ કિલોમીટરની પદયાત્રા દરમિયાન અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. પંજાબના પટિયાલામાં રહેતા શંકરદાસ દાબી જે માત્ર 2 ચોપડી અભ્યાસ કર્યો છે, પરંતુ અલગ કરવાની વૃત્તિ ધરાવતા શંકર દાસે તારીખ 05 જૂન 2019ના રોજ હરિદ્વારથી ચાર ધામ યાત્રાની શરૂ કરી હતી. શંકરદાસ બુધવારે સોમનાથથી પદયાત્રા કરીને પોરબંદર પહોંચ્યા હતા.
માનવ કલ્યાણ અને એકતાનો સંદેશો લઈને પદયાત્રામાં નીકળેલા યુવાન શંકર દાબીએ જણાવ્યું હતું કે, તેમને હરિદ્વાર હરકી પેડીથી નીકળી ગંગોત્રી, દિલ્હી, મથુરા, પ્રયાગ રાજ, કાશી વિશ્વ નાથ, ઝારખંડ, ઓડિશા, તિરુપતિ બાલાજી, તામિલનાડુ રામેશ્વરમ, કર્ણાટક, મૈસુર, મહારાષ્ટ્ર શિરડી, ત્રયમકેશ્વર અને ગુજરાતના ભરૂચ, ગિરનાર અને ત્યાર બાદ સોમનાથથી આજે બુધવારે પોરબંદર પહોંચ્યા હતા.
આ પદયાત્રામાં પડી રહેલી મુશ્કેલીઓ અંગે વાત કરતા શંકર જણાવે છે કે, પોલીસનો સહયોગ વધુ મળી રહે છે. ઘણીવાર પોલીસ સ્ટેશનમાં પણ આસરો લીધો છે. આ ઉપરાંત ભોજનની કોઈ વ્યવસ્થા સાથે રાખીને ચાલતા નથી, જ્યાં મળે ત્યાં ભોજન કરવાનું રહે છે. ઉપરવાળાની કૃપાથી ક્યારેય ભોજન ન મળ્યું હોય એવુ તેમની સાથે બન્યું નથી.
અત્યાર સુધીમાં 10,425 કિમી અંતર કાપીને સોમનાથથી દ્વારકા તરફ જઇ રહ્યા છે, ત્યારે પોરબંદર પહોંચ્યા હતા અને એકતા અને માનવ કલ્યાણનું બોર્ડ સાથે હોય છે. લોકો સામેથી આવીને મદદ કરે છે. અંદાજીત 14000થી 16000 કિમી જેટલી આ યાત્રા રહેશે, તેમ તેમણે જણાવ્યું હતું. તેમના પરિવારમાં માતાપિતા અને એક ભાઈ છે. પરિવારથી દૂર પદ યાત્રા કરવાની પ્રેરણા પાયલટ બાબા પાસેથી મળી હોવાનું તેમને જણાવ્યું હતું.