પોરબંદર : પોરબંદરમાં કિન્નરોને બેફામ માર મારનાર ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બગવદર ગામે કિન્નરો ઉપર યુવાન તથા તેની પત્ની સહિત ચાર શખ્સોએ કર્યો હુમલો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
પૈસા પડાવવાની ફરિયાદ : સામાન્ય રીતે જાહેર રસ્તાઓ પર કિન્નરો દ્વારા રૂપિયા માંગવામાં આવતાં હોય છે અને લોકો ને હેરાન કરવાના અનેક બનાવ બને છે. ત્યારે પોરબંદરમાં કિન્નરોને માર મારવાનો બનાવ સામે આવ્યો છે. અહીના બગવદર પોલીસ સ્ટેશનમાં કિન્નરોએ ચાર શખ્સો વિરુદ્ધ માર માર્યા તથા પૈસા પડાવવાની ફરિયાદ નોંધાવી છે હાલ આ કિન્નર પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
1,65,000ની માગણી : પોરબંદરમાં પાવૈયાના મઠમાં રહેતા ત્રણ કિન્નરો ગત શુક્રવારે તારીખ 26 મેએ બગવદર ગામે બસ સ્ટેન્ડ પાસે સાંજના સાડા સાત વાગ્યે રૂપિયા માંગતા હતાં. તે સમયે પોરબંદરના હીરા પન્ના કોમ્પલેક્ષમાં રહેતા ધ્રુવ વિનુભાઈ કારિયા નામના શખ્સ તથા તેની પત્ની પારુલ અને નીતા ગોસ્વામી તથા સાજીદ ઉર્ફે ટમેટો આ ચાર શખ્શો ત્યાં આવ્યા હતાં. ફરિયાદમાં નોંધાવાયા પ્રમાણે આ ચારે જણે તેમની ફોરવ્હીલર ઉભી રાખી ધમકી આપી હતી. તેઓએ ધમકી આપી હતી કે તમે જે ભિક્ષા માંગો છો તેમાંથી દર મહિને 1,65,000 રૂપિયા આપવા પડશે.
ઢીકાપાટુનો માર માર્યો : કિન્નરો દ્વારા રુપિયા આપવા બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં કાજલ દે, પારુલ દે અને પૂનમ દેએ રુપિયા આપવાની ના પાડી હતી. તેમણે કહ્યું હતું કે પોતે માંગેલ રૂપિયા ગુરુને આપવાના હોય. આવુંકહેતા ઉશ્કેરાયેલા ધ્રુવ કારિયા સહિતના ચારેય લોકોએ કિન્નરોને ઢીકાપાટુનો માર માર્યો હતો.કિન્નરોને ગુપ્ત ભાગે ઇજા પહોંચાડી હતી અને મનફાવે તેમ ગાળો આપી હતી. આથી ત્રણેય કિન્નરો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
પોરબંદરમાં હીરાપન્ના કોમ્પ્લેક્ષમાં રહેતો ધ્રુવ વિનુભાઈ કારીયા નામનો શખ્સ બદકામ કરાવતો હતો. અલગ અલગ ગ્રાહકો પાસે દ્વારકા કુતીયાણા રાણાવાવ પણ લઈ જતો હતો. ત્યારે આ કામ કરવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને મારામારી કરી હતી. ચારેય શખ્સો વિરુદ્ધ પોલીસ યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી..મુસ્કાન દે (કિન્નર)
બદકામ કરાવવાનો આક્ષેપ : કિન્નરોએ આરોપી ધ્રુવ કારિયા, તેની પત્ની પારુલ તથા નીતા ગોસ્વામી તથા સાજીદ ઉર્ફે ટમેટા વિરુદ્ધ બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આરોપીઓને કડક સજા કરવાની માંગ કરી હતી. આરોપી ધુવ વિનુભાઈ કારીયા વિરુદ્ધ બદકામ કરાવવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. કિન્નરોને દ્વારકા કુતીયાણા રાણાવાવમાં ગ્રાહકો પાસે લઇ જઇને બદકામ કરાવાતું હોવાનું જણાવાયું હતું.