બનાસકાંઠા: જિલ્લાના વિભાજનની વર્ષો જૂની માગણી તો સંતોષાઈ છે. પરંતુ આ માગણી હવે સંતોષાયા બાદ વિવાદનો વંટોળ ઊભો થયો છે. થરાદ વાવ નવા જિલ્લામાં ધાનેરા અને કાંકરેજ તાલુકાનો સમાવેશ કર્યા બાદ ધાનેરા અને કાંકરેજ તાલુકા વિસ્તારના લોકો બનાસકાંઠામાં જ રહેવા માટેની માંગણી કરી રહ્યા છે અને જો આગામી દિવસોમાં ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
યુવાનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા: ધાનેરા તાલુકાના યુવાનો પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. તેઓએ કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. ધાનેરા વિસ્તારના યુવાનોનું કહ્યું કે, તેઓએ આજદિન સુધી થરાદ જોયું નથી. સામાજિક રીતે અને વ્યવસાયિક રીતે ધાનેરા વિસ્તારના લોકો પાલનપુર ડીસા ખાતે એટલે કે, બનાસકાંઠા સાથે સંકળાયેલા લોકો છે. જ્યારે નવીન જિલ્લા વિભાજન સમયે તેમને થરાદ વાવમાં સામેલ કરતા તેઓને સૌથી વધુ અગવડતાઓ ઊભી થશે. ધાનેરા તાલુકાના છેવાડાના વાછોલ અને બાપલા જેવા ગામોથી થરાદ 100 કિલોમીટર જેટલું દૂર પડે છે. તેઓને થરાદ સુધી જવા આવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જ્યારે પાલનપુર આવવા જવામાં સરળતા રહે છે.
ધાનેરાના લોકોને સુવિધા નહી દુવિધા ઉભી થશે: ધાનેરાના લોકો વર્ષોથી પાલનપુર ડીસા સાથે જોડાઈને વ્યવસાય કરી રહ્યા છે. સવાર સાંજ તેઓ પાલનપુર ડીસા આવતા હોય છે. સામાજિક સંબંધો પણ બનાસકાંઠાથી જ બંધાયેલા છે. જ્યારે સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ધાનેરાને વાવ થરાદ જિલ્લામાં સામેલ કરવામાં આવ્યું છે. જેથી ધાનેરા વિસ્તારના લોકોને સુવિધા નહીં પરંતુ દુવિધા ઉભી થશે.પાલનપુર કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા આવેલા યુવાનોએ સરકાર દ્વારા ઉપર ફેર વિચારણા કરીને ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સામેલ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
લોકોએ આંદોલનની ચિમકી ઉચ્ચારી: પાલનપુર કલેકટર કચેરી ખાતે રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં પહોંચેલા યુવાનોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે અને આગામી દિવસોમાં સરકાર દ્વારા ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સામેલ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી દીધી છે. આ મુદ્દે ETV BHARAT દ્વારા ધાનેરા વિસ્તારના લોકો સાથે વાત કરવામાં આવી હતી. જોકે મહત્વનું એ છે કે, બનાસકાંઠા જિલ્લાને વિભાજન કરવાની વર્ષોની માંગણી તો સંતોષવામાં આવી છે. પરંતુ કાંકરેજ અને ધાનેરા તાલુકામાંથી ઉઠી રહેલા નારાજગીના સુર બાદ ગુજરાત સરકાર આગામી દિવસોમાં પોતાના નિર્ણયમાં ફેર વિચારણા કરે છે કે પછી આ વિરોધનો વંટોળ વધુ ઉગ્ર બને છે.
આ પણ વાંચો: