અમદાવાદ : દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 ના પરિણામો આજે એટલે 8 ફેબ્રુઆરીના દિવસે જાહેર થઈ રહ્યા છે. ગત 5 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં 70 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. જોકે, મતગણતરીમાં ભાજપની સ્પષ્ટ બહુમતી દેખાઈ રહી છે. આ અંગે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રમુખ ઈશુદાન ગઢવીએ સાથે ETV Bharat સંવાદદાતા રોશન આરાને પ્રથમ પ્રતિક્રિયા આપી હતી.
"જીત" ઈશુદાન ગઢવીનો વિશ્વાસ : ગુજરાત પ્રદેશ AAP પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, ભાજપે ચૂંટણી માટે હાથકંડો અપનાવ્યો હતો. અરવિંદ કેજરીવાલ વર્સીસ ભાજપ અને તેમની ગુંડાગર્દી, દિલ્હી પોલીસ, ED અને ઇન્કમટેક્સ વિભાગ બધા સાથે હતા. હાલના રૂઝાનમાં લાગી રહ્યું છે કે ફરીથી આ વખતે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી સરકાર બનાવશે. આમ આદમી પાર્ટીનું જાદુ ચાલશે અને ત્યાં આપની સરકાર બનશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તૈયારી : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને આવનારા ઇલેક્શન અંગે ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની વિચારધારા દેશમાં ફેલાઈ ગઈ છે, બધા અરવિંદ કેજરીવાલને ચાહે છે. એટલે અમને વિશ્વાસ છે કે આ ચૂંટણી અને આવનારા દિવસોમાં ફરીથી આમ આદમી પાર્ટીની જીત થશે અને અરવિંદ કેજરીવાલ ફરીથી દિલ્હીના સીએમ બનશે.
"જો અરવિંદ કેજરીવાલ હારશે તો, અરવિંદ કેજરીવાલ પોતે નહીં આ દેશના ભવિષ્યની હાર છે. કામની રાજનીતિ સિસ્ટમ હારશે અને ગુંડાગર્દીની જીત થશે."-- ઈસુદાન ગઢવી (પ્રમુખ, ગુજરાત પ્રદેશ AAP)
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમારા 600 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. અમે તમામ તૈયારીઓની સાથે આ ઇલેક્શન લડી રહ્યા છીએ અને આવનારા વર્ષમાં કોર્પોરેશનના ઇલેક્શનમાં પણ આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતાઈથી ઇલેક્શન લડશે. વર્ષ 2027 ચૂંટણીમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખૂબ જ સારું પ્રદર્શન કરશે.