કચ્છ: ભુજ તાલુકાના માનકુવા નજીક અકસ્માતમાં બેના મોત નીપજ્યા છે. ગઈકાલે બપોરે સર્જાયેલા અકસ્માતમાં સારવાર દરમિયાન બે લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. છકડા અને ટેમ્પો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કુલ 7 જેટલા લોકો ઘાયલ થયા હતા. મુસાફરોને લઈ જતા છકડાને ટેમ્પોએ ટક્કર મારતાં અકસ્માત થયો હતો. સમગ્ર મામલે માનકુવા પોલીસે વાહન જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતમાં 2ના મોત, 7 ઘાયલ: કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી જીવલેણ અકસ્માતનો સીલસીલો ચાલી રહ્યો છે. ગઈકાલે બપોરે માનકુવા નજીક સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય 7 જેટલા લોકોને ઇજા પહોંચી હતી તો ગઈકાલે સાંજે પણ ટ્રકમાં ખામી સર્જાતા અકસ્માત સર્જાયો હતો.
છકડાને પાછળ અને આગળથી ટેમ્પોએ મારી ટક્કર: માનુકવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એસ.એમ. રાણાએ જણાવ્યું હતું કે, પશ્ચિમ કચ્છના માનકુવા નજીક સર્જાયેલા અકસ્માતની પ્રાથમિક વિગતો મુજબ શુક્રવારે બપોરે સામત્રાથી મુસાફરોને લઈ જતો છકડો માનકુવા નજીક પહોંચ્યો ત્યારે પાછળથી ટેમ્પોએ તેને ટક્કર મારી હતી જેથી છકડો રોંગ સાઇડમાંથી આવતા ટેમ્પામાં ટકરાયો હતો. જેમાં છકડામાં સવાર 7 લોકોને ઇજા પહોંચી હતી. જેને સ્થાનિક લોકો તથા પોલીસની મદદથી જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
માનકુવા પોલીસે વાહન કબજે કરી આગળની તપાસ આરંભી: આ ગોઝારા અકસ્માતમાં ઈજા પામનાર બે વ્યક્તિના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. ઇજાગ્રસ્ત પૈકી નાગીયારીના સામેમામદ બાફણનું મોત થયું છે. જ્યારે નખત્રાણાના વિશાલ હસંરાજ વાણંદનું ગંભીર ઇજાથી મૃત્યુ થયું છે. બપોરે સર્જાયેલા અકસ્માત બાદ માનકુવા પોલીસે વાહન કબજે કરી આગળની તપાસ આરંભી હતી. આ દરમિયાન અકસ્માતમાં ઈજા પામનારની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી, પરંતુ તે વચ્ચે ઇજાગ્રસ્ત બે વ્યક્તિના મોત થયા હતા. માનકુવા પોલીસે અકસ્માત સર્જનાર વાહન કબજે લઇ બનાવ સંદર્ભે તપાસ આરંભી છે.
નાગીયારી ગામના લોકો છકડામાં સવાર હતા: અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ વ્યક્તિઓમાં સીમા રવિ ગોરસિયા, હવાબાઈ રહીમ ગજણ, આમિર સકીલ ગજણ, રાઈકબાઇ મામદ પઢીયાર, આદ્રિયા જુણસ ભૂરેયા, લાલજી ભગુ જોગી, જશુ દેવજી વરસાણીનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તમાં સૌથી વધુ નાગીયારી ગામના લોકો છકડામાં સવાર હતા. પોલીસે બનાવ અંગે વધુ તપાસ આરંભી છે.
આ દરમિયાન માનકુવા નજીક સાંજે વધુ એક અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે મોટી જાનહાની સર્જાઈ ન હતી પરંતુ ભારે વાહનમાં ખામી સર્જાતા નાનકડો અકસ્માત સર્જાયો હતો. માનકુવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: