પોરબંદર: જિલ્લાની આંગણવાડીઓમા 'બાળ તુલા દિવસ', 'કિશોરી દિવસ' અને 'સ્વચ્છતા દિવસ' સહિતની ઉજવણી કરવામા આવી રહી છે. પોષણ અભિયાન હેઠળ પોષણના 5 સૂત્રો માટે જિલ્લા લેવલે કલેકટરની અધ્યક્ષતામાં મોનિટરીંગ અને રીવ્યુ સમિતિ રચવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા 'સહી પોષણ દેશ રોશન' સૂત્રને ચરિતાર્થ કરવામાં ગુજરાત રાજ્ય અગ્રેસર રહ્યું છે. આ ઉપરાંત મુખ્યપ્રધાન વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમા પોષણ અભિયાન હેઠળ નક્કર કામગીરી થઇ રહી છે. રાજ્યમાં એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે સતત પ્રયાસો થઇ રહ્યાં છે, ત્યારે પોરબંદર જિલ્લામાં વિવિધ વિભાગોના સહકારથી જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગની I.C.D.S યોજના દ્વારા સુપોષણ સપ્તાહની ઉજવણી થઇ રહી છે.
જે અંતર્ગત આંગણવાડી કેન્દ્રો, CHC, PHC પેટા કેન્દ્રો ખાતે કિશોરીઓનું હિમોગ્લોબીન તપાસ માટે 'કિશોરી દિવસ', 'મમતા દિવસ' હેઠળ 'સગર્ભા આરોગ્ય તપાસ' અને 'બાળ તુલા દિવસ' હેઠળ આંગણવાડીમાં તમામ બાળકોનું વજન અને ઉંચાઇ તપાસ, 'સ્વચ્છતા દિવસ', હેઠળ લોકજાગૃતિ કાર્યક્રમ ઉજવાઇ રહ્યો છે.
પોરબંદર જિલ્લામાં 100 ટકા બાળકોનું સંપૂર્ણ રસીકરણ, ઓછા વજનવાળા બાળકોને લીલા ઝોનમાં લાવવા, કિશોરીઓમાં એનિમિયાના પ્રમાણમાં વાર્ષિક 6 ટકાનો ઘટાડો સહિતની કામગીરી હાથ ધરીને સુપોષિત પોરબંદર માટે સંગઠિત સંકલિત અને સઘન પ્રયાસો કરાઇ રહ્યાં છે.