જામનગર: શહેરમાં સવારથી જ જુદા-જુદા આધારકાર્ડના કેન્દ્રો ઉપર કાર્ડધારકોની લાંબી કતારો જોવા મળી હતી. આધારકાર્ડ અપડેટ માટે સર્વર અવાર-નવાર ડાઉન થવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને આધાર અપડેટ માટે ટોકન સિસ્ટમ હોવાના કારણે કાર્ડધારકો વારંવાર સેન્ટરોના ધક્કા ખાઇ રહ્યા છે.
આધારકાર્ડ સેન્ટરોમાં લાંબી કતારો: જામનગરના જુદા-જુદા આધારકાર્ડ સેન્ટરોમાં અરજદારોની લાંબી કતારો જોવા મળી હતી. જેમાં સૌથી વધુ ભીડ ચાંદીબજારમાં આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસમાં જોવા મળી હતી. પોસ્ટ ઓફિસ ખુલે તે પહેલાં જ અરજદારોની લાંબી કતાર લાગી ગઇ હતી. ઉપરાંત તળાવની પાળે આવેલા આધારકાર્ડ કેન્દ્રોમાં પણ પોસ્ટ ઓફિસ જેવી જ ભીડ જોવા મળી હતી.
આધાર અપડેટ માટે લોકોને હાલાકી: આધારકાર્ડ સેન્ટરોમાં અપડેટ માટે આવેલા અરજદારોને ટોકન સિસ્ટમ હોવાથી વારંવાર ધક્કા ખાવા પડે છે અને સર્વર ડાઉન હોવાના કારણે એક અરજદાર 3થી 4 ધક્કા ન ખાઇ ત્યાં સુધી આધારકાર્ડમાં અપડેટ થતું નથી. તેથી આધારકાર્ડના અપડેટ માટે કાર્ડધારકો જુદા-જુદા સેન્ટરોએ જઇને અપડેટ કરાવવાનો પ્રયાસ કરે છે.
સર્વર ડાઉન થવાથી લોકો હેરાન: સર્વર ડાઉન અને ટોકન સિસ્ટમના કારણે કાર્ડધારકોને બીજા કામો મૂકીને આધારકાર્ડ માટે 5થી 6 ધક્કા ખાવા પડે તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઇ છે. આમ છતાં વહીવટી તંત્ર કે સરકાર આધારકાર્ડના અપડેટ માટે સર્વર સરકારી કામકાજના દિવસોમાં રાબેતા મુજબ ચાલુ રહે તેવું નક્કર આયોજન કરવું જરુરી બની ગયું છે.
લોકો ધક્કા ખાવાથી ટેવાયા છે: જામનગરની શાંતિપ્રિય પ્રજા લાઇનમાં ઉભા રહેવા માટે અને કોઇપણ સરકારી કામ માટે વારંવાર ધક્કા ખાવાથી ટેવાઇ ગયા છે. પ્રજાની માનસિકતા તંત્ર અને સરકાર સારી રીતે સમજતી હોવાથી કામમાં પણ ઢીલી નીતિ અપનાવતી હોય છે.
આ પણ વાંચો: