- ગત બે વર્ષથી મત્સ્યોદ્યોગને પણ કારમી થપાટ લાગી છે
- માછલીની ખરીદીમાં ઇન્ટરનેશનલ ડોલરના ભાવમાં ઘટાડો નોંધાયો
- પાકિસ્તાનમાંથી મુક્ત થયેલા માછીમારો સાથે પકડાયેલી બોટને પણ મુક્ત કરો: માછીમારો
- માછીમારો સરકાર પાસેથી અનેક આશા રાખી રહ્યા છે
પોરબંદર: ગુજરાતના દરિયાકિનારા પર અનેક સાગરખેડુઓ મત્સ્યોદ્યોગના વ્યવસાય સાથે જોડાયેલા છે, ત્યારે આ વ્યવસાય ભારત દેશને કરોડોનું હૂંડિયામણ કમાઈ આપે છે, પરંતુ છેલ્લા 5 વર્ષમાં આ ઉદ્યોગને પણ જાણે નજર લાગી હોય તેમ આમાં પણ મંદીનું મોજું પ્રસરી ગયું છે જેનું કારણ કોરોનાના કારણે ઊભી થયેલી વૈશ્વિક મંદી છે.
એક બોટમાંથી 65 લોકોને રાજગારી મળતી હોય છે
પોરબંદરમાં 8 બોટની માલિકી ધરાવતા માછીમાર આગેવાન ઈટીવી ભારતને જણાવે છે કે, એક બોટ બનાવવામાં 4 લાખ જેટલો ખર્ચ થાય છે. એક બોટમાં 7થી 8 માછીમારો હોય છે અને એક બોટમાંથી 65 જેટલા લોકોની રોજીરોટી નીકળતી હોય છે. 5 વર્ષ પહેલા માછીમારીમાં દર વર્ષે એક બોટમાંથી 5થી 7 લાખ જેટલી આવક થતી હતી, પરંતુ વૈશ્વિક મંદી અને બે વર્ષથી કોરોના મહામારીના પગલે માછલીની ખરીદીના ઇન્ટરનેશનલ ડોલરના ભાવમાં ઘટાડો નોંધાયો છે. યુરોપ, ચાઈના અને ગલ્ફ જેવા દેશોમાં મચ્છીની નિકાસ થતી હતી જે હવે ઘટી છે અને વિદેશી ખરીદી ઘટવાના કારણે આ ઉદ્યોગને મરણતોલ ફટકો પડ્યો છે.
માછીમારી સીઝન શરૂ કરવામાં ફેરફાર કરાયો
સામાન્ય રીતે માછીમારીની સીઝન 15 ઓગસ્ટથી શરૂ કરવામાં આવતી હોય છે, ત્યારે માછીમારોએ 1 ઓગસ્ટથી માછીમારીની સીઝન શરૂ કરવાની માંગ કરી હતી, પરંતુ વાવાઝોડા જેવી કુદરતી આફતના કારણે માછીમારોએ વધુ એક મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. આથી માછીમારોએ 1 સપ્ટેમ્બરના રોજ માછીમારી સીઝન શરૂ કરવાનો નિર્ણય સરકાર સમક્ષ રાખ્યો હતો, જેને મંજૂર કરવામાં આવ્યો છે. આથી માછીમારોએ 1 સપ્ટેમ્બરથી માછીમારી શરૂ કરી છે.
યોજનાઓ અનેક, પરંતુ પૂરતી રીતે માછીમારોને લાભ મળતો નથી
અશ્વિનભાઈ જુંગી જણાવે છે કે સરકાર દ્વારા માછીમારો માટેની અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે, પરંતુ સંપૂર્ણ રીતે યોજનાઓ માછીમારો સુધી પહોંચતી નથી, જેમાં જીપીએસ સબસીડી, એન્જિન ખરીદી, મશીન પર સબસીડી માછીમારો સુધી પહોંચતી નથી. આથી માછીમારોએ સંકટની સ્થિતિનો સામનો કરવો પડે છે. ડીઝલના ભાવમાં પણ વધારો ઝીંકાતા માછીમારોને મુશ્કેલી પડી રહી છે.
પાકિસ્તાનમાંથી મુક્ત થયેલા માછીમારો સાથે પકડાયેલી બોટને પણ મુક્ત કરો
પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સ દ્વારા અનેક વાર ભારતીય માછીમારોનું ભારતીય જળસીમા પરથી બોટ સાથે અપહરણ કરવામાં આવે છે અને અમુક સમય બાદ તેમને મુક્ત કરવામાં આવે છે. હાલમાં પાકિસ્તાનમાં 500 જેટલા માછીમારો સબડી રહ્યા છે અને 1150 જેટલી બોટ પણ પાકિસ્તાનમાં છે, જેથી પાકિસ્તાન દ્વારા ભારતીય બોટને પણ મુક્ત કરવામાં આવે તેવો પ્રયાસ ભારત સરકાર દ્વારા થવો જોઇએ તેવો અભિપ્રાય અશ્વિન જુંગીએ વ્યક્ત કર્યો હતો.