પાટણ પાટણ તાલુકાની દુધારામપુરા ગ્રામ પંચાયત કચેરીમાં કાર્યરત મહિલા તલાટી કમ મંત્રી પુષ્પાબેન ગોવિંદભાઇ પ્રજાપતિ 18,000ની લાંચ લેતાં ઝડપાયાં છે. તેમણે શાળાના વરંડાનું બિલ પાસ કરવા માટે 18,000ની લાંચ માંગી હતી. જેને પગલે કોન્ટ્રાક્ટરે પાટણ એસીબી કચેરીમાં ફરિયાદ કરતાં એસીબીએ છટકું ગોઠવી સફળ ઓપરેશન પાર પડ્યું હતું.
લાંચિયા અધિકારીઓમા ફફડાટ ફેલાયો પ્રાપ્ત વિગતો મુજબ પાટણ તાલુકાના દુધારામપુરા , ખારીવાવડી અને બાદીપુરા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા મહિલા તલાટી કમ મંત્રી પુષ્પાબેન ગોવિંદભાઇ પ્રજાપતિએ ખારીવાવડી ગામની શાળાના વરંડાનું કામ કરનાર કોન્ટ્રાકટર ફરિયાદીના બિલના 3,50,000 રુપિયા મંજૂર કરી વહીવટી પ્રક્રિયાની સરળતા માટે 18,000નીલાંચની રકમની માંગણી કરી હતી પરંતુ ફરિયાદી આ રકમ આપવા માંગતો ન હતો
એસીબીએ ગોઠવ્યું છટકું લાંચ આપવી ન હોવાથી કોન્ટ્રાકટરે એસીબીનો સંપર્ક કર્યો હતો. દરમ્યાન એસીબી બોર્ડર એકમ ભુજના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના માર્ગદર્શન હેઠળ પાટણ એ.સી.બી. પી.આઇ. જે.પી.સોલંકી અને ટીમે લાંચનું છટકુ ગોઠવ્યુ હતું. દુધારામપુરા ગ્રામ પંચાયતમાં મહિલા તલાટી પુષ્પાબેન પ્રજાપતિ હાજર હતાં ત્યારે ફરિયાદી 18,000 લાંચની રકમ આપવા જતા પુષ્પાબેને આ રકમ સ્વીકારતાં જ પાટણ એસીબીની ટીમે રંગે હાથ ઝડપી લઇ લાંચની આ રકમ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.