ડાયમંંડ સીટી સુરતના તક્ષશિલા આર્કેડમાં આગકાંડ પછી પાટણ જીલ્લા વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. તંત્ર દ્વારા ઠેર-ઠેર કોમર્શિયલ વિસ્તારોમાં તપાસનો દોર શરુ કર્યો છે. મંગળવારે મામલતદાર દ્વારા શહેરના સુભદ્રાનગર વિસ્તારમાં ધમધમતી ખાનગી હોસ્પિટલોમાં સેફટીના સાધનો અંગે તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન તમામ હોસ્પિટલોમાં સુરક્ષાનો અભાવ જોવા મળ્યો હતો.
હોસ્પિટલમાં ફાયર સેફટીના કોઈ જ સાધનો ન હોવાનું સામે આવતાં તમામ હોસ્પિટલને નોટીસ ફટકારવા કવાયત હાથ ધરાઈ હતી. આ ઉપરાંત શહેરમાં ચાલતા ૧૦૧ જેટલા ટ્યુશન કલાસીસ સહીત બે શાળાઓને પણ નોટીસ ફટકારવામાં આવી છે. જ્યાં પણ સેફટીના સાધનો નથી તે હોસ્પિટલ અને ટ્યુશન કલાસીસને સેફટીના સાધનો વસાવવા બે દિવસનો સમય આપવામાં આવ્યો છે.