બાબા અમરનાથ ખાતે દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બર્ફાની બાબાના દર્શન કરવા જાય છે. પાટણ શહેરમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અમરનાથની યાત્રા પર જાય છે. ત્યારે અમરનાથ યાત્રા સંઘ પાટણ દ્વારા દર વર્ષે અમરનાથ યાત્રાનું આયોજન કરવામાં આવે છે.
ચાલુ વર્ષે પણ સંઘ દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં 52 યાત્રિકો જોડાયા છે. શહેરના નગર લિંબડી વિસ્તારમાં આવેલા મુલેશ્વર મહાદેવ ખાતે અમરનાથ યાત્રાએ જનાર શ્રદ્ધાળુઓએ પૂજા અર્ચના કરીને 108 દીવાની મહાઆરતી કરી બમ બમ ભોલેના નાદ સાથે અમરનાથ જવા પ્રસ્થાન કર્યું હતું.
પાટણના માર્ગો પર બાબા અમરનાથની શોભાયાત્રા વાજતે-ગાજતે નીકળી હતી. જેમાં યાત્રીઓ સહિત વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.