પાટણ : ઉપરવાસમાં ભારે વરસાદ થવાને કારણે સિદ્ધપુર સરસ્વતી નદીમાં નવા નીર આવ્યા છે. સતત પડેલા વરસાદને કારણે માધુપાવડિયા ઘાટ ખાતે આવેલ ચેકડેમ ઓવરફ્લો થયો છે. સરસ્વતી નદીમાં તેના પાણી રેલાતા સરસ્વતી નદી જીવંત બની છે. ઘણા વર્ષો પછી સરસ્વતી નદીમાં પાણી આવતા શહેરીજનોમાં અનેરી ખુશી જોવા મળી છે.
જિલ્લામાં મેઘરાજા મહેરબાન : હવામાન વિભાગની આગાહી મુજબ પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત મેઘમહેર જોવા મળી છે. ક્યાંક હળવો તો ક્યાંક ભારે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે જિલ્લાના નદી-નાળા અને તળાવમાં નવા નીરની આવક થવા પામી છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે વિવિધ ડેમો ઓવરફ્લો થયા છે. જેના કારણે કેનાલ મારફતે અલગ અલગ નદીઓમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
ધરોઈ ડેમ ઓવરફ્લો : ધરોઈ ડેમ હાલ સંપૂર્ણ ભરાયેલ હોવાથી ડેમની રૂરલ સપાટી જાળવી રાખવા ધરોઈ ડેમનું પાણી કેનાલ મારફતે છોડવામાં આવ્યું છે. આ પાણી સિદ્ધપુરના માધુપાવડિયા ઘાટ ખાતે આવેલ ડેમમાં છોડવામાં આવ્યું છે. ત્રણ દિવસ અવિરત વરસાદને કારણે સિદ્ધપુર શહેરનું પાણી પણ આ ચેકડેમમાં ઠલવાતા ચેકડેમ ઓવર ફ્લો થયો છે. જેના કારણે સરસ્વતી નદીમાં પાણી વહેતું થયું છે.
સરસ્વતી નદી : ઘણા વર્ષો બાદ સરસ્વતી નદી બે કાંઠે વહેતી થતા શહેરીજનોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. સાથે જ માધુપાવડિયા ઘાટ ખાતે તડપણ વિધિ માટે આવનાર શ્રદ્ધાળુઓ પણ ખુશી જોવા મળી રહી છે. ઉપરાંત સરસ્વતી નદી બે કાંઠે વહેતી થતા સ્થાનિક લોકો અને આજુબાજુના સહેલાણીઓ પણ અહીં આવી રહ્યા છે.
પાણીની આવક વધી : ધરોઈ ડેમના એક્ઝિક્યુટર એન્જિનિયર સુમિત પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ધરોઈ ડેમ ભરેલો છે. પાણીની આવક સામે જાવક કરવા માટે સાબરમતી સરસ્વતી લિંક કેનાલ મારફતે સિદ્ધપુરના માધુપાવડીયા ચેકડેમમાં 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમ ભરેલો હશે ત્યાં સુધી પાણી છોડાશે.