પાટણ: શહેર સહિત જિલ્લામાં કોરોનાના વધતા જતા સંક્રમણ અને પોઝિટિવ કેસો તેમજ મૃત્યુઆંકને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા લોકોના હિતમાં ધારપુર હોસ્પિટલ, પાટણ સિવિલ હોસ્પિટલ અને શબરીમાલા ખાનગી હોસ્પિટલને કોવિડના દર્દીઓની સારવાર માટે માન્યતા આપવામાં આવી છે. હાલ આ ત્રણેય હોસ્પિટલોમાં કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં બનેલી આગની દુર્ઘટનાને પગલે પાટણ જિલ્લા કલેક્ટરે જિલ્લાની કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધા બાબતે તપાસના આદેશ કરતા મદદનીશ કલેકટર સ્વપ્નિલ ખરે દ્વારા ધારપુર હોસ્પિટલ, પાટણ સિવિલ હોસ્પિટલ અને સબરીમાલા હોસ્પિટલની મુલાકાત કરી ફાયર સેફ્ટીની સુવિધા બાબતે ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધા હતી, પરંતુ સ્ટાફને આ સુવિધાનો ઉપયોગ કરતા આવડતો ન હોવાને કારણે સ્ટાફને તાત્કાલિક તાલીમ આપવા માટે સૂંચના આપી હતી.
ધારપુર સિવિલ હોસ્પીટલને કોવિડ હોસ્પિટલ તરીકે માન્યતા આપવામાં આવી છે, ત્યારે ધારાપુર સિવિલ હોસ્પિટલના i blockને સેન્ટર તરીકે કાર્યરત કરવામાં આવ્યો છે. જેમાં 170 બેડ ઉપલબ્ધ છે. હોસ્પિટલમાં 24 પ્રોજેક્ટ દર્દીઓ શંકાસ્પદ 32 પોઝિટિવ દર્દીઓ મળી કુલ 56 દર્દીઓ સારવાર હેઠળ છે. ધારપુર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં પહેલેથી જ ફાયર સેફ્ટીના સાધનો પૂરતા પ્રમાણમાં છે.
તબીબી નગરી તરીકે પ્રસિદ્ધ પાટણ શહેરમાં વિવિધ રોગોના અનેક નામાંકિત ડૉક્ટર્સની ખાનગી હોસ્પિટલો આવેલી છે. આ હોસ્પિટલ્સમાં રાજસ્થાન સહિત ઉત્તર ગુજરાતના દર્દીઓ સારવાર અર્થે આવે છે. આ ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધા છે કે નહીં, તેની તપાસ આજદિન સુધી પાટણ નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે, ફાયર સેફ્ટી વગરની હોસ્પિટલ્સમાં અમદાવાદની શ્રેય હોસ્પિલ જેવી આગની દુર્ઘટના ઘટે તો દર્દીઓની કેવી હાલત થાય તેની માત્ર કલ્પના જ કરવી રહી, દુર્ઘટના બાદ સરકાર માત્ર સહાય આપી શકે, સ્વજન નહીં.