પાટણઃ શહેર સહિત જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે મૃત્યુ આંક તેજ રફતાર સાથે આગળ વધી રહ્યો છે. શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓ અને વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓએ પ્રજાજનોની વચ્ચે જઈ જનજાગૃતિના પ્રયાસો હાથ ધરી આ જીવલેણ મહામારીને વધુ ફેલાતી અટકાવી જોઈએ.
પાટણ જિલ્લામાં વધુ 3 પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 154 થઈ છે. પાટણ શહેરના સાલવીવાડા વિસ્તારમાં રહેતા મોદી મુકેશને કોરોના પોઝિટિવ આવતા પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગુરુવારે સવારે તેનું મોત થયું હતું.
જ્યારે હારીજના 26 વર્ષે યુવાનને પણ કોરોનાનો ચેપ લાગતાં 14 જૂનના રોજ ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેનું પણ ગુરુવારે મોત નિપજ્યું હતું. આ ઉપરાંત શંખેશ્વરના 38 વર્ષીય કોરોના ગ્રસ્ત યુવાનનું અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. આમ વધુ 3 મોત થતાં પાટણ શહેરનો મૃત્યુઆંક 12અને જિલ્લાનું મૃત્યુઆંક 20 થયો છે.
પોઝિટિવ દર્દીઓમાં પાટણની આસોપાલવ સોસાયટીમાં રહેતા ઘીવાળા નવનીત ભાઈને તાવ ખાંસીના લક્ષણો જણાતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં તેઓના સેમ્પલ લેવાતા કોરોના પોઝિટિવ આવ્યો હતો. શુકુન બંગ્લોઝમાં રહેતા દેસાઈ ઈચ્છાબેનનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે રાધનપુરના સિનાડ ગામે રેતી 30 વર્ષીય મહિલા પણ કોરોના ગ્રસ્ત બની છે. પાટણ શહેરમાં બે અને રાધનપુર સિનાડમાં એક પોઝિટિવ કેસ નોંધાતા પાટણ શહેરમાં પોઝિટિવ દર્દીઓનો આંક 72 અને જિલ્લાનું 154 થયો છે.