- પાંચ દિવસમાં પરિવારના પાંચ સભ્યોનું કોરાનાથી મોત થયું હોવા છતા ફરજ પર થયા હાજર
- પ્રવીણભાઈ છેલ્લા 12 વર્ષથી 108 ઇમર્જન્સી સેવામાં પાયલોટ તરીકે બજાવે છે ફરજ
- છેલ્લા બે વર્ષથી એક પણ રજા લીધા વિના એક ધારી સેવા આપી રહ્યા છે
પંચમહાલઃ છેલ્લા સવા વર્ષ દરમિયાન સમગ્ર વિશ્વને વૈશ્વિક મહામારી કોરોનાએ પોતાના ભરડામાં લીધા છે. અસંખ્ય લોકોએ આ બીમારીના કારણે પોતાના જીવ ગુમાવ્યાં છે, જ્યારે લાખોની સંખ્યામાં કોરોનાના દર્દીઓ હાલ સરકારી તેમેજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. કોરોના કાળમાં અનેક સેવા દાતાઓ પોતાની યથા શક્તિ પ્રમાણે લોકોની મદદ પણ કરી રહ્યા છે. કેટલીક સેવાકીય સંસ્થાઓ હોસ્પિટલોને મોટું દાન અને દવા આપી આ બીમારીના ખપ્પરમાંથી લોકોને ઉગારવાના પ્રયાસ કરી રહી છે. નાત, જાત, ધર્મ કોઈ પણ ભેદભાવ વગર માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉમદા હેતુ સાથે અનેક દાતાઓએ મદદના હાથ લંબાવ્યાં છે.
પોતાના પરિવારની જરા પણ ચિંતા કર્યા વિના કરી રહ્યા છે લોકોની સેવા
કોરોનાના આ કપરા સમયમાં સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવનારા આરોગ્ય કર્મી તેમજ કાયદો અને વ્યવસ્થાની જવાબદારી નિભાવનારા પોલીસ કર્મી સહીત આ સેવા ફરજમાં છેલ્લા બે વર્ષથી જોડાયેલા કોરોના યોદ્ધાઓને કોરોના વોરિયર્સનો દરજ્જો આપવામાં આવ્યો અને તેઓને સન્માનિત પણ કરવામાં આવ્યાં છે. આ સમય દરમિયાન કેટલાક એવા કોરોના યોદ્ધાઓના કિસ્સા પણ સામે આવ્યાં કે જેઓએ પોતાની તેમજ પોતાના પરિવારની જરા પણ ચિંતા કર્યા વિના લોકોની સેવા કરી છે.
માત્ર પાંચ દિવસના સમયગાળામાં પોતાના ઘરના મોભી સહીત પરિવારના પાંચ સભ્યો ગુમાવ્યાં
આજે એક એવા કોરોના યોદ્ધાની વાત જે કોરોના વોરિયર્સે માત્ર પાંચ દિવસના સમયગાળા દરમિયાન પોતાના ઘરના મોભી સહીત પરિવારના પાંચ સભ્યો ગુમાવી દીધા હતા. તેમ છતાં માનવ સેવા બજાવવા માટે ફરજ ઉપર હાજર થઈ ગયા હતા. ગોધરા 108માં પાયલોટ તરીકે ફરજ બજાવતા પ્રવીણ બારીયા કે જે મોરવા હડફ તાલુકાના ખાનપુર ગામના વતની છે. પ્રવીણભાઈ છેલ્લા 12 વર્ષથી 108 ઇમર્જન્સી સેવામાં પાયલોટ તરીકે ફરજ બજાવે છે. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ ગોધરામાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી વચ્ચે પ્રવીણભાઈ એક પણ રજા લીધા વિના એક ધારી સેવા આપી રહ્યા છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં 108 અમ્યુલન્સના ઈ.એમ.ઈ. સહીત 3 પાયલોટ કોરોના સંક્રમિત થયા બાદ પુનઃ ફરજ પર
પરિવારના સભ્યોને થયો હતો કોરોના
આ તરફ થોડા દિવસો પહેલા પ્રવીણભાઈના માતા અને પિતા કોરોનાની ચપેટમાં આવ્યાં હતા. જોકે, પ્રવિણભાઈએ હિંમત ન હારી અને પોતાના માતા પિતાને ઈલાજ માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને માતા-પિતાના ઈલાજ વચ્ચે પણ પોતાની ફરજ સેવા કાર્ય યથાવત રાખી હતી. પિતાની જે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યા 21 એપ્રિલના રોજ તેમના પિતા સબુરભાઈ જેસીંગભાઈ બારીયાનું અવસાન થયું હતું. પ્રવીણભાઈએ આ દુઃખની ઘડી પાર નથી કરી ત્યાં જ 25 એપ્રિલના રોજ કોરોનાનો ઈલાજ કરાવી રહેલી તેમની માતા કમળાબેન તેમજ પ્રવીણભાઈના સગા કાકા, કાકી અને કાકાનો પુત્ર એમ ચાર લોકો અવસાન પામ્યાં એક જ દિવસમાં માતા સહિત પરિવારના ચાર સભ્યોના અવસાનને લઈ પ્રવીણભાઈના જીવનમાં આભ તૂટી પડ્યો. પોતાના પિતાની ચિતા ઠંડી થઈ નથી ત્યાં જ કોરોનામાં મૃત્યુ પામેલા માતા અને સગા કાકા, કાકી, તેમજ કાકાના દીકરાની ચિતા આપવાનો વારો આવ્યો હતો.
આ પણ વાંચોઃ 108 ઈમરજન્સીના 120 કર્મચારીઓ રજા વગર 24 કલાક બજાવી રહ્યા છે ફરજ
ફરજ ઉપર હાજર થઈ અને માવતાનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું
આટલા ટૂંકા ગાળામાં પોતાના પરિવારજનો ગુમાવનારા પ્રવીણભાઇની માથે આભ તૂટી પડ્યું હતું. પરંતુ મજબૂત મનોબળ ધરાવતા આ 108 ઇમર્જન્સી સેવાના પાયલોટ પ્રવીણભાઈએ માનવસેવા ધર્મ સર્વોપરી ગણાવી પોતાના પરિવારના સભ્યોની અત્યેષ્ઠ ક્રિયા પતાવી પુનઃ પોતાની ફરજ પર હાજર થઈ ગયા હતા. કોરોના મહામારીએ તેમના માતા-પિતા તેમજ પરિવારના અન્ય ત્રણ સભ્યોના જીવ લીધા ત્યારે અન્ય કોઈ કોરોના દર્દી ઇમર્જન્સી સેવાના અભાવે પોતાનો જીવ ન ગુમાવે અને સમયસર તેઓને સારવાર મળી રહે તેં માટે કઠિન ઘડી અને કપરી પરિસ્થતિઓ વચ્ચે પ્રવીણભાઈ ફરી પોતાની ફરજ ઉપર હાજર થયા અને માવતાનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.