પંચમહાલઃ હાલ ઉનાળામાં માનવીની સાથે સાથે વન્ય પ્રાણીને પણ પાણીની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. તેથી વન વિસ્તારમાં પ્રાણી અને પક્ષીઓ માટે કુંડની વ્યવસ્થા કરવામાં આવી છે. સોમવારે દાહોદ શહેરના સોસાયટી વિસ્તારમાં દિપડો આવી જવાની ઘટના બની હતી. વન્ય પ્રાણીઓ પાણીની શોધમાં માનવ વસ્તીમાં આવતા હોય છે. ત્યારે વન્ય પ્રાણીઓને પાણીની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે પંચમહાલ જીલ્લા વન વિભાગ દ્વારા પંચમહાલ જીલ્લાના જંગલ વિસ્તારમાં અગાઉ બનાવવામાં આવેલા પાણીના કુંડમાં પાણી ભરવાની કામગીરી નિયમિત પણે કરવામાં આવી રહી છે. જયારે જીલ્લામાં આવેલા વન વિસ્તારમાં જ્યાં જંગલના પ્રાણીઓની વધુ પડતી અવરજવર નોંધાવા પામી છે તેવા અલગ અલગ વિસ્તારોમાં 15 નવા પાણીના કુંડ બનાવવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પંચમહાલ જીલ્લાની કુલ જમીન વિસ્તારના 23.26 ટકા વિસ્તારમાં જંગલ આવેલું છે અને આ જંગલનો 97.80 ટકા વિસ્તાર આરક્ષિત જંગલ વિસ્તાર જાહેર કરવામાં આવેલો છે. હાલમાં નવા બનાવવામાં આવેલા કુંડ ખાસ ડીઝાઇન કરીને બનાવવામાં આવ્યા છે. જેથી જંગલમાં વસતા તમામ પ્રાણીઓ પક્ષીઓ પાણી પી શકે. તેમજ આ કુંડની ફરતે રેતીનું સર્કલ બનાવવામાં આવ્યું છે જેથી પાણી પીવા માટે આવતા પ્રાણીઓ પક્ષીઓના પગના નિશાનના આધારે તેમની ઓળખ કરી શકાય.
હાલ વન વિભાગ દ્વારા પંચમહાલ જીલ્લાના જંગલ વિસ્તારમાં ટેન્કર મારફતે નિયમિતપણે આ કુંડમાં પાણી ભરવાની કામગીરી સાથે સાથે આ કુંડમાં પાણી પીવા આવતા પ્રાણીઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે.