અમદાવાદ: અમદાવાદમાં ઉત્તરાયણના તહેવાર પહેલા પતંગ બનાવવાની કામગીરી પૂરજોશ ચાલી રહી છે. અમદાવાદના જમાલપુર ચકલા વિસ્તારમાં એશિયાનું સૌથી મોટું પતંગ મેકિંગ બજાર આવેલું છે. ત્યાંની દીકરીઓ પતંગ બનાવીને પોતાના લગ્નનો પણ ખર્ચો ઉઠાવી લે છે. અહીંયા લગભગ 50 વર્ષથી પતંગ બનાવવાની કામગીરી ચાલી રહી છે અને ઘરે ઘરે પતંગ બને છે. પણ શું તમે જાણો છો કે આકાશમાં હવા સાથે વાત કરતા આ પતંગ કેવી રીતે બને છે? એક પતંગ બનાવવામાં કેટલા લોકોનો હાથ લાગે છે? અને આ રંગબેરંગી પતંગ બનાવવામાં કેટલો ટાઈમ લાગે છે? તો આજે આપણે જાણીશું પતંગ બનાવવાની સમગ્ર રીત અને પતંગ બજારનો માહોલ.
આખા દેશમાંથી પતંગ ખરીદવા લોકો અમદાવાદ આવે છે
ઉતરાયણના તહેવારને ગણતરીના દિવસો બાકી છે. આ તહેવારમાં લોકો ખૂબ જ મજાથી પતંગ ચગાવતા હોય છે અને એક મહિના પહેલાથી ઘરે ઘરે પતંગનો માહોલ જામી જાય છે. અમદાવાદમાં જમાલપુર વિસ્તાર એક એવો વિસ્તાર છે જ્યાં ઘરે ઘરે પતંગ તો બને જ છે અને પતંગનું બજાર પણ સૌથી મોટું લાગે છે. આ પતંગ ખરીદવા માટે આખા દેશથી લોકો અમદાવાદ આવે છે.
એક પતંગ બનાવવા પાછળ 7 લોકોની મહેનત
પતંગ બનાવવામાં સાત લોકોનો હાથ લાગે છે. પતંગ બનાવવા માટે ત્રિવેણી કાગળ અને કમાન માટે વાંસની લાકડીનો ઉપયોગ કરવામાં આવે છે. એક પતંગ બનાવવામાં 10 મિનિટ જેટલો સમય લાગતો હોય છે. આ પતંગ બનાવનાર રેહાના બાનુએ જણાવ્યું હતું કે, હું બહેરામપુરામાં રહું છું અને પતંગ બનાવવા માટે દરરોજ અહીંયા આવું છું. હું દરરોજ 1500 પતંગ જાતે બનાવું છું અને ₹300ની રોજની કમાણી મળે છે. હું 40 વર્ષથી પતંગ બનાવવાનું કામ કરી રહી છું. આ પતંગ બનાવવા માટે સૌથી પહેલા કાગળનું કટીંગ કરવામાં આવે છે. પછી સળી અને કાગળ ચોંટાડવામાં આવે છે. તેના પછી પૂંછડી લગાવવામાં આવે છે. છેલ્લે પતંગનું બંડલ બનાવવામાં આવે છે, આ પછી તે બજારમાં વેચવા માટે જાય છે.
નાના પતંગ લોકો મંદિરમાં ચડાવવા લઈ જાય છે
તો બીજી તરફ પતંગના દુકાનદાર નજીબ ખાને જણાવ્યું હતું કે, પતંગ બનાવવાનું કામ અમે 50 વર્ષથી કરી રહ્યા છીએ. અહીંયા સૌથી મોટી પતંગથી લઈને સૌથી નાની પતંગ પણ બને છે. અને આખા ગુજરાતથી લોકો ખરીદવા માટે આવે છે. ખાસ કરીને નાની પતંગો મંદિરોમાં ચડાવવા માટે લોકો લઈ જાય છે અને બાળકોને આ પતંગ ખૂબ જ ગમે છે. લોકો ઘરોની સજાવટ માટે પણ આ પતંગનો ઉપયોગ કરે છે.
આ વખતે મોંઘા થયા પતંગ
પતંગના વ્યાપારી મોહમ્મદ યુસુફ રંગરેજે પતંગ બજાર વિશે જણાવ્યું હતું કે, હાલ તમામ પ્રકારની પતંગો જમાલપુરમાં બનાવવામાં આવે છે. અમારી દુકાનમાં પણ દરેક ફેશન અને ટ્રેન્ડની પતંગ મળે છે. હાલ પુષ્પની પતંગનો પણ ટ્રેન્ડ ખૂબ જ ચાલી રહ્યો છે. પરંતુ આ વર્ષે પતંગ બહુ જ મોંઘી થઈ છે. જે પતંગ ત્રણ રૂપિયાની મળતી એ હવે 8 થી 10 રૂપિયામાં મળશે. એટલે પતંગની ખરીદારી પર ખૂબ જ અસર પડશે.
તો બીજી તરફ પતંગ ખરીદવા માટે ગાંધીનગરથી આવેલા એક મહિલાએ જણાવ્યું હતું કે, હું દર વર્ષે અમદાવાદના જમાલપુરમાં પતંગ ખરીદવા માટે આવું છું અને ગાંધીનગર જઈને આ પતંગનો વેપાર કરું છું અને પોતે પતંગ ઉડાવું છું. અહીંયાની પતંગ બહુ જ સારી અને સસ્તી અને નવી વેરાયટી વાળી હોય છે એટલે દર વર્ષે અમે અહીંયાથી જ પતંગ લઈ જઈએ છીએ. પતંગ મોંઘી થઈ છે પરંતુ ઉત્તરાયણમાં પતંગના ઉડાવીએ તો મજા જ ના પડે.
આ પણ વાંચો: