સુરત: 2024 વર્ષ પૂર્ણ થવા જઈ રહયું છે. આ દરમિયાન સૌ કોઈ વર્ષના આખરી દિવસ એટલે કે 31 ડિસેમ્બરની ઉજવણીની તૈયારીઓ કરી રહ્યા છે. આ દરમિયાન શહેરની પોલીસ 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને એક્શન મોડમાં આવી ગઈ છે. સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરત પોલીસ કમિશનર અધ્યક્ષતામાં છેલ્લા ત્રણ વર્ષમાં 'પાસા' (Gujarat Prevention of Anti-Social Activities) કલમ હેઠળ ગુનાહિત 500થી વધુ ઈસમોની ઓળખ પરેડ કરવામાં આવી હતી.
આ તમામ ઇસમો સુરતના 37 પોલીસ સ્ટેશનમાંથી પાસામાં હતા. તેઓને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કડક સૂચના પણ આપવામાં આવી હતી કે, 'જો તમે નાગરિકોને હેરાન પરેશાન કરશો, તમે લોકો પ્રતિબંધિત વસ્તુઓની ગેર પ્રવૃત્તિ કરશો કે પછી લોકોના જાનમાલને નુકસાન પહોંચાડશો તો તમે નવા નિયમો મુજબ પોલીસથી બચી શકશો નહીં, આ તમારી માટે સુધારા માટે છેલ્લી તક છે.'
તેમણે વધુમાં કહ્યું કે, 'તમારા દ્વારા વારંવાર આવી અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જે રાષ્ટ્ર અને સમાજના હિતમાં હોતી નથી. પરંતુ હવે તમને એક તક આપવામાં આવે છે. કાયદામાં રહેશો તો તમે ફાયદામાં રહેશો. આ મંત્ર તમારે તમારા દિમાગમાં ઉતારી લેવું જોઈએ.'
'આ ઉપરાંત જે ઈસમો આવી શક્યા નથી તેઓને પણ મીડિયા મારફતે કહેવા માંગુ છું કે, તમને તમારી ભાષામાં જ પોલીસ તમને સમજાવશે જો તમે નાગરિકોની શાંતિ, સલામતી અને સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ કરશો. તમે બચી શકશો નહીં.'
અહીં ઉલ્લેખનીય છે કે, 31 તારીખ થનાર ઉજવણીને લઈને સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લાની પોલીસ સતર્ક થઈ છે. પોલીસ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને નબીરાઓ પર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: