ભાવનગર: શહેરની મહાનગરપાલિકામાં વહેલી સવારથી જન્મના દાખલામાં ફેરફાર કરવા માટે લોકોની લાઇન લાગી જાય છે. જેના ઉકેલ તરીકે મહાનગરપાલિકાએ વધુ એક બારી પણ ખોલી છે. તેમ છતાં બારીની બહાર લાઈનો સાંજ સુધી યથાવત રહે છે. આવી સ્થિતિમાં દિવ્યાંગ લાઇન જોઈને સાઈડમાં ઉભા રહી જાય છે તો બીજી બાજુ સામાન્ય લોકો કામ ધંધો છોડી દાખલામાં ફેરફાર કરાવવા લાઇનમાં ઊભા હોય છે. આ સમગરણ ઘટના વિશે લોકોની સમસ્યા અને અધિકારીનો જવાબ વિશે ચાલો જાણોએ.
ભાવનગર મહાનગરપાલિકાની જન્મના દાખલાની લાઈનો છેલ્લા બે મહિનાથી વધી ગઈ છે, જેને પગલે લોકો હેરાન થઈ રહ્યા છે. મહાનગરપાલિકામાં જન્મના દાખલામાં ફેરફાર કરી 'અપાર કાર્ડ' કઢાવવા માટે આધાર કાર્ડમાં થયેલી ભૂલ સુધરાવા લાઈનો લાગી રહી છે. પરંતુ ભીડ તેમજ લાંબી લાઇનના કારણે આવનાર અરજદારો હાલાકીને પગલે રોષ ઠાલવી રહ્યા છે.
લાઇન વધતાં દિવ્યાંગ સાઈડમાં ઉભો રહી ગયો: ભાવનગર મહાનગરપાલિકાની કચેરી ખાતે રોજ મોટી સંખ્યામાં લોકો જન્મ તારીખના દાખલામાં ફેરફાર કરવા માટે આવી રહ્યા છે. આ દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાંથી જન્મનો દાખલો કઢાવવા આવેલા દિવ્યાંગ દિલીપભાઈએ જણાવ્યું હતું કે, 'હું જન્મનો દાખલો કઢાવવા માટે આવ્યો હતો, પરંતુ લાઈન ખૂબ લાંબી છે એટલે સાઈડમાં ઉભો રહી ગયો. જોકે આ મારો ત્રીજી વખતનો ધક્કો છે આવી લાઈન હોય તો શું કરવું.'
તાલુકામાં દાખલો કાઢી દે અહીં ના પાડે: 'અપાર કાર્ડ' કઢાવવા માટે જન્મ તારીખના દાખલામાં ફેરફાર કરાવવા આવેલા ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે, 'હું જન્મ તારીખના દાખલા માટે સાત દિવસ પહેલા આવ્યો હતો. આધારકાર્ડમાં સ્પેલિંગ મિસ્ટેક હતી. અપાર કાર્ડ કઢાવવા માટે આધાર કાર્ડમાં સુધારો કરવાનો હોવાથી જન્મના દાખલામાં સુધારો કરાવવા આવ્યો છું. પહેલા માત્ર ગુજરાતીમાં નામ આવતા હતા હવે અંગ્રેજીમાં નામ એક સાથે કરવાના છે. ગુજરાતી અંગ્રેજીમાં તાલુકા કક્ષાએ એક સાથે કાઢી દે છે પરંતુ અહીં આ લોકો ના પાડે છે.'
આરોગ્ય અધિકારીએ શુ કહ્યું ? મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડૉક્ટર આર.કે. સિંહાએ જણાવ્યું હતું કે, 'છેલ્લા એક-બે મહિનાથી ભીડ વધી ગઈ છે. રેશનકાર્ડમાં KYC અને જન્મના દાખલાના સુધારવા માટે લોકોની ભીડ વધી રહી છે. રોજના 300 થી 400 લોકો આવે છે. એક વધારાની બારી પણ અમે ખોલી છે. જોકે જન્મના દાખલામાં સુધારો અમે ત્રણ દિવસમાં કરી આપીએ છીએ. લોકોની સંખ્યા એક સાથે વધી જતા સમસ્યા ઊભી થઈ છે. અમારા તરફથી અમે પૂરતા પ્રયત્નો કરી રહ્યા છીએ.
આ પણ વાંચો: