પંચમહાલ: કોરોના સામે સાવચેતીના ભાગરૂપે તેમજ કોરોનાની ચેઈનને વધતી અટકાવવા માટે સમગ્ર દેશમાં હાલ લોકડાઉન છે. દેશમાં હાલ લોકડાઉન 3 અમલમાં છે. જેને લઈને રાજ્યની તમામ શાળા-કૉલેજો પણ બંધ કરી દેવામાં આવી છે. શાળા બંધ રહેતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર ન પહોંચે તે માટે લોકડાઉનની શરૂઆતના દિવસોમાં ખાનગી ચેનલોના માધ્યમથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવતો હતો, પરંતુ બાદમાં રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ઉતીર્ણ કરી આગલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે. જેથી સરકાર દ્વારા ટીવીના માધ્યમથી આપવામાં આવતા શિક્ષણને પણ બંધ કરવામાં આવ્યું હતું. જેથી કંઈક નોખું-અનોખું કરવા માટે રાજ્યભરમાં જાણીતી પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની નવા નદીસર પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા આ વખતે પણ એવું જ અનોખું કાર્ય કરવામાં આવ્યું છે. જેને લઈને હાલ બાળકો ઘરે બેઠા અભ્યાસ પણ કરી રહ્યા છે અને સાથે સાથે ઘરે બેઠા જ પરીક્ષા પણ આપી રહ્યાં છે.
રાજ્યની તમામ પ્રાથમિક શાળાના આચાર્યને શાળાની વહીવટી બાબતોની જાણકારી મળી રહે તે માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા માઈક્રોસોફ્ટ ટીમ નામની એપ્લીકેશનનો ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યું છે. જેમાં રાજ્યની દરેક પ્રાથમિક શાળાના માત્ર આચાર્યના યુસર આઈડી શિક્ષણ વિભાગ દ્વારા બનાવવામાં આવ્યા હતા. આ એપ્લીકેશનના ઉપયોગથી શિક્ષણ વિભાગ પોતાના વહીવટી બાબતોની જાણકારી વીડિયો બેઠક કરીને રાજ્યના તમામ પ્રાથમિક શાળાના આચાર્યોને આપી રહ્યું હતું. આ દરમિયાન નવા નદીસર પ્રાથમિક શાળાના આચાર્યને વિચાર આવ્યો કે, આજ એપ્લીકેશનની મદદથી જો તેમની શાળાના તમામ વિદ્યાર્થીઓને જોડવામાં આવે તો વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય પણ કરાવી શકાય અને આ સમય દરમિયાન બાળકો શાળા અને શિક્ષણથી વંચિત ન રહી શકે.
શાળાના આચાર્ય રાકેશ પટેલ દ્વારા શિક્ષણ વિભાગના સ્ટેટ કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે આ બાબતની પ્રસ્તાવના મૂકી તેમની શાળાના 300 ઉપરાંત બાળકોના યુસર આઈડી બનાવવાની માગ કરતા શિક્ષણ વિભાગને પણ આ એક ઉમદા પ્રયત્ન જણાઈ આવતા નવા નદીસર પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓના યુસર આઈડી બનાવી આપ્યા હતાં. શિક્ષણ વિભાગ દ્વારા પોતાના અંગત ઉપયોગ માટે ઉપયોગમાં લેવામાં આવી રહેલી એપ્લીકેશનને માત્ર નવા નદીસર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મૂકી અને પછી તો રાકેશ પટેલ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓના વાલીઓનો સંપર્ક કરી જે વાલીઓ પાસે સ્માર્ટ ફોન હતા, તેવા 45 જેટલા વિદ્યાર્થીઓના વાલીઓના સ્માર્ટ ફોનમાં માઈક્રોસોફ્ટ ટીમ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરી તેમાં યુસર નેમ અને પાસવર્ડ આપી શાળાના ક્લાસ રૂમને વિદ્યાર્થીઓના ઘર સુધી પહોંચાડી દીધા.
આ સુચારું આયોજન કરી શાળાના આચાર્ય દ્વારા શાળાના તમામ વિવિધ વિષયો પ્રમાણેના શિક્ષકોને જવાબદારી સોંપી હતી. જેથી શિક્ષકો દ્વારા નિયત સમયે વિદ્યાર્થીઓને ઘરે બેઠા જ શિક્ષણ કાર્ય કરાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
ડિજિટલ માધ્યમ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને નિયમિત શિક્ષણ કાર્ય પૂરું પાડવામાં આવી જ રહ્યું હતું. આ દરમિયાન શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓની ઘરે બેઠા જ પરીક્ષા લેવાનું પણ નક્કી કરવામાં આવ્યું. જેનું કારણ હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1થી 8ની લેવામાં આવનારી વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્ર પણ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓને મોકલી આપવામાં આવ્યાં હતાં. તે પ્રમાણે નવા નદીસર પ્રાથમિક શાળામાં પણ વાર્ષિક પરીક્ષાના આવેલા પ્રશ્નપત્રો વિદ્યાર્થીઓને ઘરે પહોંચાડી દેવામાં આવ્યા અને પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ નક્કી કરવામાં આવ્યું. હાલ આ ટાઈમ ટેબલ પ્રમાણે શાળાના વિદ્યાર્થીઓ આજે ઘરે બેઠા પરીક્ષા પણ આપી રહ્યા છે.
શાળાના આચાર્ય દ્વારા પરીક્ષાના માર્ગદર્શન તેમજ આ પરીક્ષા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં પરીક્ષાના દિવસોમાં દરેક વિષયની પરીક્ષાના આગલા દિવસે સાંજે 5થી 7 દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઈન વીડિયો બેઠકની મદદથી જે-તે વિષયના અભ્યાસક્રમનું પૂનરાવર્તન કરાવવામાં આવે છે.
શાળા દ્વારા કરાવવામાં આવી રહેલા આ ડિજિટલ શિક્ષણકાર્ય અને પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ સમયબદ્ધ પોતાના વાલીના સ્માર્ટફોન સામે ગોઠવાઈ જાય છે અને અભ્યાસના કામમાં પરોવાઈ જાય છે.
વિદ્યાર્થીઓ અભ્યાસને લગતા અને તેમને મુંજવતા પ્રશ્નો પણ આ વિડિયો બેઠક દરમિયાન શિક્ષકોને પૂછીને તેનું નિરાકરણ પણ મેળવી રહ્યા છે. રાજ્યમાં પ્રથમ એવી શાળાના આ ઉમદા કાર્યની વાલીઓ પણ પ્રશંસા કરી રહ્યા છે. આ સાથે જ શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર બાબતની નોંધ લઈને રાજ્યની તમામ શાળામાં આ બાબતને અમલી કરાવવા માટેની કાર્યવાહી પણ આરંભવામાં આવી છે.