પંચમહાલઃ આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરેના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિ અને કામગીરી વિશે કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી.
કલેક્ટર પાસેથી જિલ્લામાં હાલની સ્થિતિએ સંક્રમણના કેસો, અસરગ્રસ્ત વિસ્તારો, ડિસ્ચાર્જ રેટ, કેસો મળવાનો દર, ટેસ્ટ, કોન્ટેક્ટ ટ્રેસિંગ, બેડ સહિતની સારવારની સુવિધાઓ વગેરેની માહિતી મેળવતા કમિશ્નરએ કોરોના સામેની લડાઈ લાંબી ચાલે તેમ હોવાથી તેને ધ્યાનમાં રાખી સંસાધનો અને વ્યૂહરચનાનું આયોજન કરવા પર ભાર મૂક્યો હતો.
સંક્રમણની શકયતા ઘટાડવા કન્ટેઇનમેન્ટ ઝોન અને બફર ઝોનમાં અલગ-અલગ ટીમોને કામગીરી સોંપવાના, તેમ જ જિલ્લાના બધા ગામોને પલ્સ ઓક્સીમીટર આપવા સહિત તંત્ર દ્વારા લેવાયેલ પગલાઓ બાબત સંતોષ વ્યક્ત કર્યો હતો. આગામી તબક્કામાં કેસો વધવાની સ્થિતિને પહોંચી વળવા જિલ્લાના તમામ મેડિકલ ઓફિસર્સ, ડોકટર્સને (કો-મોર્બીડિટી ધરાવતા ન હોય તેવા) કોરોના વોર્ડમાં રોટેશન અનુસાર ડ્યુટી સોંપી કોરોના દર્દીઓની સારવાર અને મેનેજમેન્ટમાં કુશળ બનાવવા તાકીદ કરી હતી.
તે જ રીતે નવા કેસોની સંખ્યાના દરને ધ્યાનમાં રાખીને ઓક્સિજન સપ્લાય ધરાવતા બેડની સંખ્યામાં અને સારવાર કરી શકવા સક્ષમ સ્ટાફનું આયોજન કરવા સૂચના આપી હતી. શિવહરેએ જણાવ્યું હતું કે, સંક્રમણ સામે માસ્ક પહેરવા અને અન્ય વ્યક્તિઓથી અંતર જાળવવા સહિતની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન જ કેસોમાં મોટા વધારા સામે અસરકારક બની શકે તેમ છે. તેથી કન્ટેઇનમેન્ટ સહિતના વિસ્તારોમાં આ નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવું અતિ આવશ્યક છે. દર્દીની પ્રોફાઈલ અનુસાર કન્ટેઇનમેન્ટ ઝોન નિશ્ચિત કરવા સાથે વધુ સઘન કોન્ટેક્ટ ટ્રેસિંગ અને ડોર ટુ ડોર એક્ટિવ સર્વેલન્સથી કેસો બને તેટલા વહેલા શોધી કાઢવાથી દર્દીઓની સારવાર માટે પૂરતો સમય મળી રહેવા સાથે ઓછા લોકોને ચેપનો ભોગ બનતા અટકાવી શકાશે. તેમ જણાવતા એન્ટીજન કિટ્સનો ઉપયોગ કરી હોટસ્પોટ વિસ્તારોમાં અને શંકાસ્પદ દર્દીઓમાં ટેસ્ટિંગ વધારવા કમિશનરશ્રીએ જણાવ્યું હતું.
તેમણે સારવાર હેઠળ રહેલા દર્દીઓના યોગ્ય કાઉન્સલિંગ ઉપર ખાસ ભાર મૂકતા સિનિયર ડોકટર્સ અને અધિકારીઓને ટેલીમેન્ટરિંગ સેશન્સ એટેન્ડ કરવા તેમજ જિલ્લાના ખાનગી ડોકટર્સ સાથે સતત સંકલનમાં રહેવા જણાવ્યું હતું. બેઠકમાં કલેકટરએ જણાવ્યું હતું કે, જિલ્લામાં પી.પી.ઇ. કિટ્સ, ટોસિલિઝુબેમ, રેમડીસીવર સહિતની દવાઓ, ઓક્સિજન બેડસ, બાયપેપવાળા વેન્ટિલેટર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. જિલ્લાની સરકારી હોસ્પિટલમાં તબીબોની સંખ્યા ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારના નક્કી કરાયેલ દરો અંગે પણ કલેકટરશ્રીએ માહિતી આપી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ .જે. શાહ, નોડલ ઓફિસર ડો. રાજેશ ગોપાલ, નિવાસી અધિક કલેક્ટરનલવાયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જૈન, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી પીસાગર સહિતના કોરોના કામગીરીમાં સામેલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.