આગામી 28 જૂને ફિલ્મ કલાકાર આયુષમાન ખુરાનાની આર્ટિકલ-15 ફિલ્મ રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ પંચમહાલ જિલ્લાના એક પણ સિનેમાઘરમાં રિલીઝ ન થાય તેવી માંગણી સાથે સોમવારે પંચમહાલ બ્રાહ્મણ સમાજ દ્વારા જિલ્લા કલેકટર ઉદીત અગ્રવાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે, આ ફિલ્મની સ્ટોરી સત્યથી વેગળી છે. ફિલ્મમાં બે દલિત બાળકીઓનો બળાત્કાર થાય છે અને બળાત્કારીને બ્રાહ્મણ બતાવવામાં આવી રહ્યાં છે. જ્યારે 27 જૂન 2014માં ઘટેલી આ પ્રકારની ઘટનામાં બળાત્કારીઓ અન્ય સમાજના હતા. તેઓને સજા પણ આપવામાં આવી હતી.
આમ હિન્દુ સમાજમાં વર્ગ વિગ્રહ ઊભો થાય એવા પ્રકારની ફિલ્મ હોવાથી પંચમહાલ જિલ્લાના એક પણ સિનેમાઘરમાં આ ફિલ્મ રીલિઝ ન થાય તેવી માંગણી આવેદનપત્ર પાઠવીને કલેકટર સમક્ષ કરવામાં આવી હતી. તેમજ કાશ્મીરી પંડિતોનું પુનર્વસન થાય એવી માંગણી કરવામાં આવી હતી.