અમદાવાદ: અમદાવાદના પૂર્વ ઝોનમાં આવેલા ગોમતીપુર વોર્ડમાં આવેલા હાથીખાઈ કાળીદાસ મિલ ચાર રસ્તાથી અંબિકા હોટલ સુધી જાહેર માર્ગ Re.D.P.ના ભાગરૂપે પહોડો કરવા કોર્પોરેશન દ્વારા ડીમાર્કેશન કરવામાં આવ્યું છે. અને કાળીદાસ મિલથી અંબિકા હોટલ સુધી 150 જેટલી કોમર્શિયલ દુકાનો અને કેટલાક મકાનોને નોટિસ ફટકારવામાં આવી છે. આ જગ્યા ખાલી કરવા માટે પંદર દિવસનો સમય આપવામાં આવ્યો છે. જે પૈકી સ્થાનિક કોમર્શિયલ, રેસીડેન્શિયલ અને ચારતોડા કબ્રસ્તાનની જગ્યા મોટા પ્રમાણમાં કપાતમાં આવતી હોવાથી સ્થાનિક રહીશો ખૂબ જ ચિંતાતુર છે. તો શું છે એની પરિસ્થિતિ શેના માટે નોટિસ ફટકારવામાં આવી છે જુઓ સમગ્ર વિગત આ અહેવાલમાં.
150 દુકાનો કપાતમાં જવાનો ડર
ગોમતીપુર વિસ્તારમાં આવેલ કાળીદાસથી અંબિકા હોટલ સુધી 150 જેટલી કોમર્શિયલ દુકાનો અને કેટલાક મકાનોને નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ 31 જાન્યુઆરી 2025થી આપવામાં આવી અને આ જગ્યા ખાલી કરવા માટે પંદર દિવસનો સમય આપવામાં આવ્યો છે. જે પૈકી સ્થાનિક કોમર્શિયલ, રેસીડેન્શિયલ અને ચારતોડા કબ્રસ્તાનની જગ્યા મોટા પ્રમાણમાં કપાતમાં આવતી હોવાથી સ્થાનિક રહીશો ખૂબ જ પરેશાન છે.
50 વર્ષથી રહેતા લોકોને પણ મળી નોટિસ
આ વિસ્તારના સ્થાનિક મુર્સલીન ભાઈએ જણાવ્યું હતું કે, હું કરિયાણાનું દુકાન ચલાવું છું. અમારા વિસ્તારમાં 1 ફેબ્રુઆરીના દિવસે બધી જ દુકાન ઉપર નોટિસ લગાવવામાં આવી હતી અને પંદર દિવસની અંદર દુકાન કટીંગ કરવાની નોટિસ આપવામાં આવી છે. એટલે અમારી માંગ છે કે અમારી દુકાન અમે જાતે જ ડિમોલિશ કરી દઈશું. પરંતુ એના બદલે અમને સરકાર વળતર આપે કે બીજી જગ્યાએ દુકાન આપે. દુકાનના બદલે દુકાન અને મકાનના બદલે મકાન સરકાર આપે. અમે 50 વર્ષથી અહીંયા જ રહીએ છીએ. અમારી પાસે તમામ પ્રકારના ડોક્યુમેન્ટ પણ છે. એટલે અમારા મકાન તોડતા પહેલા અમને રહેવા માટે જગ્યા આપો નહીં. તો અમે ક્યાં જઈશું એ અમારે માટે બહુ જ મોટો પ્રશ્ન છે.
આ મુદ્દે સામાજિક કાર્યકર્તા શરીફભાઈ ઘાંચીએ જણાવ્યું હતું કે, અહીંયા 1 તારીખે નોટિસ લગાવવામાં આવી હતી. આ માટે આ લોકો કોર્ટ સુધી પણ ગયા છે. 2006થી આ મામલો ચાલી રહ્યો છે અને હવે ફાઇનલ નોટિસ આપવામાં આવી છે. સમસ્યા એવી છે કે આ ગરીબ લોકો ક્યાં જશે સરકાર એમને પહેલાથી જો રહેવાની વ્યવસ્થા કે મકાન આપી દીધા હોત તો આ લોકો પોતાની મરજીથી આ મકાન ખાલી કરી દીધું હોત.
નોટિસ જોઈને કેટલાકની તબિયત લથડી
સ્થાનિક આગેવાન કાસમ શેખે જણાવ્યું હતું કે, અહીંયા 200 થી 250 મકાનો અને દુકાનો છે અને સતત બે મહિનાથી અહીંયા નોટિસ અને આ જગ્યા ખાલી કરવા માટેની વાત કરવામાં આવી રહી છે અને હાલ નોટિસ પર બધાની દુકાનો પર લગાવવામાં આવી છે. જેથી અહીંયાના લોકો ખૂબ જ ડરી ગયા છે કે હવે તે લોકો ક્યાં જશે? એમના માટે શું વ્યવસ્થા કરવામાં આવશે, તેના બાળકો કઈ રીતે આગળનું કરશે? આ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. આ નોટિસ જોઈને કેટલાક લોકો બીમાર અને પરેશાન થઈ ગયા છે.
કાઉન્સિલરે સ્થાનિકો માટે વ્યવસ્થાની કરી માંગ
તો ગોમતીપુરના કાઉન્સિલર ઈકબાલ શેખે જણાવ્યું હતું કે, સરકારની વિકાસની નીતિમાં અમારો સંપૂર્ણ સહકાર તો હોય જ તેમાં બે મત ના હોઈ શકે. પરંતુ વિકાસના ભોગે વિનાશ ના થાય તેની તકેદારી રાખવી આવશ્યક છે. એટલે અમારી માંગ છે કે નિયમોનુસાર અસરગ્રસ્તોને બજારભાવે વળતર અથવા જગ્યાની કાર્યવાહી કરવામાં આવે. ત્યારબાદ આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી અંગત વિનંતી સહ ભલામણ છે.
આ પણ વાંચો: