- નિમેષ પટેલને તીસરી ગલીમાં બોલાવનારા મુખ્ય આરોપીની ધરપકડ
- આરોપીને પોલીસે ઉધના ડેપોથી પકડ્યો
- મુખ્ય આરોપીઓ સહિત 7ની ધરપકડ, 6 હજી ફરાર
નવસારી: જિલ્લાના બીલીમોરા શહેરની તીસરી ગલી નજીક બે ગેંગની જૂની અદાવતમાં ગત 8 માર્ચની સાંજે વિભીષણ બનેલા મનોજ ઉર્ફે પદો પાટીલે આંતલિયાની ગેંગના નિમેષ પટેલને ફોન પર ઉશ્કેર્યો હતો તેમજ સ્ટેશન પાસે બોલાવ્યો હતો. મનોજની ઉશ્કેરણીથી નિમેષ એકલો જ તીસરી ગલીના નાકે શહેરના મુખ્ય રસ્તા પર મનોજને મળવા પહોંચ્યો હતો, પરંતુ ત્યાં ઘાત લગાવીને બેઠેલા આમીન શેખ તેમજ તેના સાથીઓ ઘાતક હથિયારો સાથે નિમેષ પર તૂટી પડ્યા અને નિમેષની હત્યા થઈ હતી.
આ પણ વાંચો: બીલીમોરામાં જૂની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ, આંતલિયાના યુવાનની હત્યા
આમીન શેખ સહિત 6 આરોપીઓની ધરપકડ
આ સમગ્ર મામલે નવસારી જિલ્લા પોલીસે ત્રણ ટીમો બનાવી ભાગી છૂટેલા આરોપીઓને પકડી પડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં હુમલામાં સામેલ અને તીસરી ગલીનો લિસ્ટેડ બુટલેગર આશિષ ટંડેલ પોલીસને હાથે પકડાયો અને એક પછી એક 6 આરોપીઓ સુધી પોલીસ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સને આધારે પહોંચી હતી. જેમાં આમીન શેખ સહિત 6 આરોપીઓની ધરપકડ થઈ હતી.
આ પણ વાંચો: બીલીમોરાના આંતલિયા ગામના સરપંચ પુત્રના 13 હત્યારાઓ પૈકી 6ની ધરપકડ
પોલીસે મનોજની કરી ધરપકડ
જ્યારે પદો પોલીસ પકડથી હાથ વેંત દૂર હતો. જેને પણ પોલીસે બાતમીદારોના નેટવર્ક અને ઈલેક્ટ્રોનિક સર્વેલન્સની મદદથી શનિવારે સુરતના ઉધના બસ ડેપોથી પકડ્યો હતો. મનોજ ઉર્ફે પદો વેશ બદલીને ફરી રહ્યો હતો અને ઉધનાથી અંબાજી ભાગવાની તૈયારીમાં હતો, પરંતુ બસમાં બેસે એ પૂર્વે પોલીસે તેની ધરપકડ કરી હતી.