પ્રાપ્ત વિગતો મુજબ, સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં પાંચ દાયકાથી ઇલેક્ટ્રિકલ, મેકેનિકલ અને કન્ટ્રકશનનું કામ બ્રિટિશની સાઉદી સ્પેશિયાલિસ્ટ કન્ટ્રકશન લિમિટેડ કંપની કામ કરે છે. જેમાં દેશભરમાંથી શ્રમિકો વિદેશી હૂંડિયામણ કમાવા ગયા હતા. વર્ષોથી કંપનીનો સારો વ્યવવાર હતો અને શ્રમિકો પણ ખુશ હતા, પરંતુ છેલ્લા 1-2 વર્ષથી કંપનીને કામ ઓછા મળતા હતા. સાઉદીની સરકારે વિદેશી કામદારોની સંખ્યા ઓછી કરવા માટે નીતિગત નિર્ણયો લેવા શરૂ કર્યા હતા. જેથી શ્રમિકોની વર્ક પરમિટ ફીમાં અનેક ગણો વધારો કરી દેવાયો હતો.
એક વર્ષની વર્ક પરમિટ માટે 600 સાઉદી રીયલ (રૂ.11400)માં વધારો ઝીંકી 8500 રીયાલ રૂ. (161500) કરી દેવાયો હતો. આ વર્ક પરમીટની ફી શ્રમિકો વતી કંપની ભરતી હતી, પરંતુ કંપનીએ ફી ભરવામાંથી પોતાના હાથ ઉંચા કરી દેતા સમયસર શ્રમિકોની વર્ક પરમિટ રીન્યુ થઈ શકી નહોતી. જેના પગલે ગુજરાત, કેરળ, પશ્વિમ બંગાળ, બિહાર, રાજસ્થાન અને પંજાબ રાજ્યના 100થી વધુ શ્રમિકો ફસાઇ ગયા છે. જેના કારણે વર્ક પરમિટ (અકામો) ઓળખ કાર્ડ ન હોવાથી તેઓ બજારમાં કે જાહેર સ્થળે ફરી શકતા નથી, કામ કરી શકતા નથી કે સ્વદેશ પણ પરત ફરી શકતા નથી.
હાલ તેઓ કંપનીના લેબર કેમ્પમાં દિવસો પસાર કરી રહ્યા છે, તો બીજી તરફ છેલ્લા એક વર્ષનો પગાર બાકી છે અને વર્ષોની સર્વિસના લેણા પણ બાકી છે. જેના પરિણામે શ્રમિકો આર્થિક રીતે સંક્રામણમાં પડ્યા છે.
ઉલ્લેખનીય છે કે, દેશના 6 રાજ્યના ફસાયેલા 100 પૈકી 20 શ્રમિકો ગુજરાતના છે. જેમાં નવસારી જિલ્લાના 8 શ્રમિકો છે. તેમના પરિવારો સરકારી હસ્તક્ષેપની રાહ જોઈ રહ્યાં છે. જેથી તેઓ ઘરે પરત ફરી શકે અને બાકી લેણાં પણ મેળવી શકે. સાઉદી અરેબિયાની બ્રિટિશ કંપનીમાં વિદેશી હૂંડિયામણ કમાવા ગયેલા બીલીમોરા પંથકના ત્રણ શ્રમિકો વર્ક પરમીટ પૂરી થવા અગાઉ માદરે વતન પરત ફર્યા હતા. તેમના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. જેમાં દિલીપભાઈ પટેલ, શાંતિલાલ પટેલ અને ચંપકભાઈ લાડનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે, કંપની પાસે છેલ્લા એક વર્ષનો પગાર તેમજ વર્ષો સુધી કરેલી સર્વિસ હકના નાણાં બાકી છે, ત્યાંની કોર્ટે અમારી તરફેણમાં ચુકાદો આપ્યો હતો. અમારા બાકી લેણા બેંકમાં મોકલી આપવાનો વાયદો કર્યો છે. વર્ક પરમિટ પૂરી થાય તે પહેલા ઘરે પરત ફરી જવાનું મુનાસીબ માન્યું હતું.