કચ્છ: ગુજરાત સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના અન્ય સ્થળોની સાથે કચ્છના ધોરડો સફેદ રણ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સહિત 11 દેશના કાઈટિસ્ટો ધોરડો ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લીધો હતો.આજના આ આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલમાં અવનવી પતંગોએ આકર્ષણ જમાવ્યું હતું અને કચ્છનું સફેદ રણ વિદેશી પતંગોના રંગોથી રંગબેરંગી બન્યું હતું.
આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2025નું કચ્છના સફેદ રણમાં પ્રારંભ
ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને કચ્છ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આ પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.કચ્છ કલેકટર, ભુજ મત વિસ્તાર ધારાસભ્ય, પ્રાંત અધિકારી, ભુજ જિલ્લા પંચાયત પ્રમુખ, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ અને ધોરડો ગામના સરપંચ મિયા હુસેન દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2025નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
10 જેટલા દેશોથી આવેલ પતંગબાજોએ જમાવ્યું આકર્ષણ
દેશ-વિદેશથી પધારેલા કાઈટિસ્ટોનું કચ્છની ધરા ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશ વિદેશના કાઈટિસ્ટો માટે કચ્છના સફેદ રણમાં સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા તો સાથે જ મેડિકલ અને ફાયર વિભાગની ટીમો પણ તૈનાત કરવામાં આવી હતી. ધોરડોના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભારત, બેલારૂસ, ભૂતાન, કોલમ્બિયા, ડૅનમાર્ક, હંગ્રી, ઈન્ડોનેશિયા, માલ્ટા, સ્લોવેનિયા, ટ્યુનિશિયા, તૂર્કી સહિતના દેશના પતંગબાજો જોડાયા હતા. આ ઉપરાંત ભારતના વિવિધ રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, ઓડિશા, વેસ્ટ બેંગાલ, સિક્કિમ સહિતના વિસ્તારના પંતગબાજો કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં અવનવા પતંગો ઉડાડીને ધોરડોના આકાશમાં આકર્ષણ જમાવ્યું હતું તો સાથે જ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
કાઇટ ફેસ્ટીવલને સ્થાનિક લોકોએ પણ ઉમંગભેર માણ્યો
કચ્છના વિશ્વપ્રસિદ્ધ સફેદ રણમાં થતી આંતરરાષ્ટ્રીય સ્તરના પતંગોત્સવની ઉજવણીને લીધે દેશ-વિદેશના અવનવા પતંગો સાથેના કરતબો માણવાના અવસરનો લાભ પણ કચ્છના સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓને મળ્યો હતો. દેશ-વિદેશનાં પતંગબાજોને કોઇ ખલેલ પહોંચે નહીં અને શાંતિથી તેઓ પોતાના વિવિધ પતંગની મજા માણી શકે તે માટે કચ્છના સફેદ રણમાં કચ્છના વહીવટી તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ધોરડો ખાતેના કાઇટ ફેસ્ટીવલને સ્થાનિક લોકોએ પણ ઉમંગભેર માણ્યો હતો અને અવનવા પતંગોથી આકાશ રંગીન બની ગયું હતું.
કચ્છમાં એક સેલિબ્રિટી અને ક્વીન સાથે જેવો વર્તાવ થાય તેવો વર્તાવ થયો
ડૅનમાર્કથી આવેલ પતંગબાજ emma mary andreassen એ જણાવ્યું હતું કે, તેઓ પહેલી વખત કચ્છની મુલાકાતે આવ્યા છે અને અહીં તેમને ખૂબ આનંદ આવી રહ્યો છે પ્રથમ વખત આ સફેદ રણની મુલાકાત લીધી છે, અને તે જોઈને ખૂબ અભિભૂત થયા છે. ખાસ કરીને કચ્છની મહેમાનગતિ, કચ્છના લોકો અને કચ્છની સંસ્કૃતિ જોઈને ખૂબ પ્રભાવિત થયા છે. કચ્છમાં એક સેલિબ્રિટી અને ક્વીન સાથે જેવો વર્તાવ થાય તેવો વર્તન મારી સાથે કર્યું છે અને અમદાવાદ કરતા અહીં ખૂબ સારો પવન હોતા પતંગ ચગાવવાની ખૂબ મજા આવી છે.
ગુજરાતી ફૂડ, ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાતના સાંસ્કૃતિક પ્રોગ્રમો જોઈને ખૂબ આનંદ
પતંગબાજ Liv Viking એ જણાવ્યું હતું કે, ચોથી વખત ભારતના પ્રવાસે આવી છું અને પ્રથમ વખત કોઈ પણ પ્રકારના રણમાં હું આવી છું ત્યારે ખાસ કરીને આ મીઠાનો રણ જોઈને ખૂબ આશ્ચર્ય થયું.કચ્છના સફેદ રણમાં અન્ય દેશના પતંગબાજો, સ્થાનિક લોકો સાથે પતંગ ઉડાવવાનો ખૂબ આનંદ આવ્યો. ગુજરાતી ફૂડ, ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાતના સાંસ્કૃતિક પ્રોગ્રમો જોઈને ખૂબ આનંદ થયો.
પ્રથમ વાર આ ફેસ્ટિવલ માણ્યો
અમદાવાદથી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ માણવા આવેલા મંથન શાહે જણાવ્યું હતું કે, બધા ભાઈ બહેનો સાથે અહીં કચ્છની પ્રથમ વખત મુલાકાત કરવા આવ્યા છીએ ત્યારે અમિતાભ બચ્ચને જે કહ્યું છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એ હકીકતે સાચું છે.ત્યારે આજે સફેદ રણમાં યોજાયેલ કાઇટ ફેસ્ટિવલમાં આવીને ખૂબ આનંદ થયો અને ખાસ કરીને જે 10 દેશના પતંગબાજો આવ્યા છે તેમના જુદા જુદા પતંગો જોઈને પણ ખૂબ આનંદ થયો.પ્રથમ વાર આ ફેસ્ટિવલ માણ્યો અને આજે રાતે ફૂલ મૂન નાઈટ નો નજારો માણવાનો અવસર પણ માણીશું.
જયપુરથી બાઇક રાઇડ કરીને કચ્છ આવ્યા
જયપુરથી કચ્છના પ્રવાસે બાઇક પર આવેલા સંજય પાંડે જણાવ્યું હતું કે, જયપુરથી અમે મિત્રો કચ્છ બાઇક રાઇડ કરીને આવ્યા છીએ જેમાં રસ્તામાં અમે લોકોએ ધોળાવીરા, રોડ ટુ હેવન, કાળો ડુંગરનો પ્રવાસ પણ કર્યો હતો.રણમાં આ પતંગોત્સવ માણીને પણ આનંદ થયો અને ગુજરાત ટુરિઝમ દ્વારા પણ ખૂબ સારું આયોજન કરવામાં આવે છે ત્યારે આનાથી પણ સારા આયોજન થાય તેવી આશા છે.કચ્છના લોકો અને કચ્છની મહેમાનગતિ માણીને ખૂબ આનંદ થયો આવા લોકો અને આવી મહેમાનગતિ ભાગ્યે જ બીજે ક્યાં મળે.આ લાઇફટાઇમ અનુભવ છે.
આવા પતંગો બીજે ક્યાંય જોવા નથી મળતા
ધોરડો ગામના સરપંચ મિયા હુસેને જણાવ્યું હતું કે, કચ્છના સફેદ રણમાં વર્ષ 2012થી આંતરરાષ્ટ્રીય સ્તરનું પતંગોત્સવ ઉજવાય છે અને કચ્છના સફેદ રણમાં પ્રવાસીઓ મોટી માત્રામાં આવે છે અને ખાસ કરીને અહીંના લોકોને રોજગારી મળે છે અને કચ્છના પ્રવાસન ક્ષેત્રને પણ વેગ મળે છે.કચ્છની મુલાકાતે આવતા પ્રવાસીઓ ખાસ કરીને કચ્છના સફેદ રણમાં યોજાતા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં અવનવી પતંગો જોઈને આનંદ માણતા હોય છે.આવા પતંગો બીજે ક્યાંય જોવા નહીં મળતા હોય છે.
ઇન્ડિયન ફૂડ અને બોલીવુડ ફિલ્મની હું ફેન છું.
બેલારૂસથી આવેલ પતંગબાજ paulenka anzhelika fedorovna એ જણાવ્યું હતું કે, ભારતની અંદર યોજાતા કાઇટ ફેસ્ટિવલમાં બીજી વખત ભાગ લીધો છે અને આ ભારતનો એક અદ્ભુત અને યુનિક તહેવાર છે.ભારત પ્રત્યે તેમને બહુ પ્રેમ છે અને પૂર્વ વિશ્વમાંથી પતંગબાજો અહી પતંગ ચગાવવા માટે અહીં આવે છે.ગુજરાત ટુરિઝમ દ્વારા ખૂબ સારું આયોજન કરવામાં આવે છે.બેલારૂસમાં આવા તહેવાર ઉજવવામાં નથી આવતા.મને અહીંના લોકો અને અહીંની સંસ્કૃતિ ખૂબ ગમે છે.ઇન્ડિયન ફૂડ અને બોલીવુડ ફિલ્મની હું ફેન છું.