નવસારી : નવસારી શહેર અને જિલ્લામાં બે દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેમાં જિલ્લાના છ તાલુકામાં ધીમી ધારે વરસાદની સારી બેટિંગ ચાલુ છે. ત્યારે વાંસદા તાલુકાના ચોરવણી ગામના મુખ્ય રસ્તાના કિનારાની એક સાઇડની માટી ધસી પડી હતી. વરસાદને કારણે રોડની કિનારી પરથી માટી ધસી પડી ખાડો થઇ ગયો છે. જેને લઇને ત્યાંથી પસાર થતા વાહનચાલકોના માથે અકસ્માતનું સંકટ ઊભું થઇ ગયું છે. ત્યારે વહેલીતકે આ રોડનું મરામત કામ કરીને ખાડો પૂરી દેવાય અને રસ્તો સુરક્ષિત બનાવાય તે માટે સ્થાનિકો દ્વારા સાવધાનીના ભાગરૂપે વહેલા પુરાણ કરવાની માંગ ઉઠી છે.
હજુ ચોમાસાની શરૂઆત થઈ છે. ત્યારે વાંસદા ચોરવણીના મુખ્ય માર્ગ પર રસ્તાના કિનારા પરની માટી પડતા અકસ્માતનો ભય રાહદારીઓના માથે ઉભો થયો છે. અગર જો આ રસ્તાનું સમારકામ ઝડપથી ન કરવામાં આવે તો આવનાર વધુ વરસાદના દિવસોમાં આ રોડને વધુ નુકસાન થવાથી આસપાસના બાર ગામોનો સંપર્ક તૂટી શકે તેમ છે. જેથી તંત્ર દ્વારા જલ્દી આ રોડનું સમારકામ કરવામાં આવે તેવી અમારી માગણી છે...બાલકુભાઈ(સ્થાનિક આગેવાન, ચોરવણી ગામ)
વાંસદાના ચોરવણી રોડને નુકસાન : વાંસદા તાલુકામાં ચોરવણીથી વાંસદા તરફ આવતો મુખ્ય માર્ગનો કિનારાનો ભાગ પહેલા વરસાદમાં ધોવાતા પસાર થતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય ઊભો થયો છે. નવસારી જિલ્લામાં મેઘરાજાએ પોતાની ધમાકેદાર બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં પોણા છ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેમાં નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોના જનજીવન પ્રભાવિત થયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની અસર દેખાવા માંડી છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ચોરવણી ગામ પાસે ડામર રોડના કિનારાનું ધોવાણ થતા માટી ધસી પડી છે. જેથી અહીંથી પસાર થતા વાહન ચાલકોના માથે અકસ્માતનું જોખમ વધ્યું છે. જેથી વરસાદની અસર આવી જ રહી તો આ રોડને વધુ પડતું નુકસાન થઈ શકે તેવી સંભાવના સ્થાનિકો સેવી રહ્યા છે.
12 ગામને જોડતો મુખ્ય રોડ : મહારાષ્ટ્ર સાથેની બોર્ડર વિલેજના વાંસદા અને ચોરવણી ગામના 12 જેટલા ગામોને જોડતો આ મુખ્ય રોડ છે. જેથી આ રોડનો ઉપયોગ સ્થાનિક ખેડૂતો પશુપાલકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કરતા હોય છે. આ માર્ગને વરસાદી માહોલમાં વધુ નુકસાન થાય તો આસપાસના બાર જેટલા ગામોનો સંપર્ક તૂટવાની સંભાવના છે જેથી આ રોડનું રીપેરીંગ કામ જલ્દીથી કરવામાં આવે તેવી જરૂરિયાત ઊભી થઈ છે.