- બલેશ્વરના ખાનગી પ્લાન્ટ પરથી મળી રહ્યો છે 6થી 7 ટન ઓક્સિજન
- તંત્ર દ્વારા હવે સુરત જિલ્લામાંથી જ મેળવાઈ રહ્યો છે ઓક્સિજન જથ્થો
- નવસારીને રોજના 18થી 20 ટન ઓક્સિજનની જરૂરિયાત
નવસારી: જિલ્લામાં રોકેટ ગતિએ વધી રહેલો કોરોનાએ જીવન માટે પ્રાણવાયુ એટલે કે ઓક્સિજનની અછત ઉભી કરી દીધી છે. કોરોના સીધો ફેફસાં ઉપર વાર કરે છે. જેથી દર્દીને શ્વાસોશ્વાસની તકલીફ ઉભી કરી દે છે. એમાં પણ કોરોનાની બીજી લહેર પ્રાણ ઘાતક સાબિત થઇ રહી છે. કોરોના દર્દીઓનું ઓક્સિજન લેવલ 85 નીચે જાય એટલે એમને ઓક્સિજનની જરૂર પડે છે પરંતુ ઘાતક કોરોના ઘણા દર્દીઓનું ઓક્સિજન લેવલ 35થી 25 પર લઇ જાય છે. જેથી ઓક્સિજનની માત્રા પણ વધુ જોઈએ છે. નવસારીમાં વધેલા કોરોના કેસોને કારણે હોસ્પિટલોમાં ઓક્સિજનનો પુરતો પુરવઠો મળતો ન હોવાની બુમરાણ ઉઠી હતી.
આ પણ વાંચો: પાટણની યુનિવર્સિટીના કેમ્પસમાં ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાયું
તંત્રએ વધુ ઓક્સિજન મેળવવો જોશે
સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોએ પાડોશી જિલ્લાના ઓક્સિજન પ્લાન્ટ પર કરગરી, કલાકો ઉભા રહીને ઓક્સિજન મેળવવો પડતો હતો, પરંતુ જિલ્લા તંત્રના અથાક પ્રયાસોથી હવે ઓક્સિજનની સમસ્યા હળવી થઈ છે. હાલમાં નવસારી જિલ્લામાં રોજના 18થી 20 ટન ઓક્સિજનની જરૂર છે. જે તંત્રના પ્રયાસોથી પૂરતા પ્રમાણમાં મળી રહ્યો છે. કોરોનાના દર્દીઓની સંખ્યા જે રીતે વધી રહી છે, એ જોતાં આગામી દિવસોમાં તંત્રએ વધુ ઓક્સિજન મેળવવાના પ્રયાસો કરવા પડશે.
બલેશ્વરના પ્લાન્ટમાંથી રોજના મળે છે 6થી 7 ટન ઓક્સિજન
સુરત જિલ્લાના બલેશ્વર ગામમાં આવેલા ખાનગી ઓક્સિજન પ્લાન્ટમાં હવામાંથી 5 ટન ઓક્સિજન બનવવાની ક્ષમતા છે. સાથે જ અહીં ઓક્સિજન ફીલિંગ પ્લાન્ટ પણ છે. અહીં રોજના અંદાજે 700 ઓક્સિજન બોટલો એટલે 6થી 7 ટન ઓક્સિજન પૂરો પાડે છે. અહીંના સંચાલકના કહેવા પ્રમાણે 24 કલાક પ્લાન્ટ કાર્યરત રહે છે અને સુરત બાદ સૌથી વધુ ઓક્સિજનનો જથ્થો નવસારી જિલ્લાને મળી રહ્યો છે.
આ પણ વાંચો: મોરબી સિરામિક એસોસિએશન દ્વારા 65 ટનની ક્ષમતાવાળો ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાયો
નવસારીની હોસ્પિટલોને પુરતો ઓક્સિજન જથ્થો પહોંચાડવાનો પ્રયાસ
નવસારી જિલ્લા તંત્ર દ્વારા પહેલા વલસાડ અને સૂરત જિલ્લાના ઓક્સિજન પ્લાન્ટમાંથી ઓક્સિજનનો પુરવઠો મેળવાતો હતો, પરંતુ હવે સરકારમાં રજૂઆતો બાદ નવસારીને સુરત જિલ્લાના ત્રણ પ્લાન્ટ પરથી ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે. જેમાં નવસારી સિવિલ હોસ્પિટલ, વાંસદા કોટેજ હોસ્પિટલ, ચીખલી રેફરલ હોસ્પિટલ સહિત લીમઝર, ગણદેવી, ધકવાડા અને મરોલી સામુહિક આરોગ્ય કેન્દ્રને પણ ઓક્સિજનનો પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે.