નવસારી: જિલ્લાનાં બાગાયતી પાકો ચીકુ અને કેરી દેશ વિદેશમાં પ્રખ્યાત છે, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની અસરને પગલે એક સાથે બે કે ત્રણ ઋતુઓનાં અનુભવને પગલે ફળોનાં રાજા કેરીનું ઉત્પાદન પણ પ્રભાવિત થઇ રહ્યું છે. જો કે, ગત વર્ષોની સરખામણીમાં આ વર્ષે આંબાઓ આમ્ર મંજરીથી ઉભરાયા હતાં. જેને કારણે સારી માત્રામાં કેરી આવવાની આશા ખેડૂતોમાં બંધાઈ હતી, પરંતુ છેલ્લા થોડા દિવસોથી રાતે ઠંડી અને દિવસે આકારો તાપ એવી બે ઋતુની સ્થિતિ રહેતા ભુકીછારાનો રોગ સાથે જ ફૂગ લાગવાથી આંબાવાડીઓમાં ખેડૂતોએ દવાનો છંટકાવ શરૂ કર્યો હતો.
ગત દિવસોમાં પડેલા કમોસમી વરસાદ તેમજ વાદળછાયા વાતાવરણ રહેતા આ વર્ષે પણ કેરીનો પાક 50થી 60 ટકા જેટલો જ રહે, તેમજ આગળ પણ વાતાવરણ અનુકૂળ ન રહે તો હજી કેરીમાં નુકસાની વધવાની સંભાવના ખેડૂતો સેવી રહ્યાં છે. બદલાયેલા વાતાવરણમાં કેરીના પાકને નુકશાનીથી બચાવવા નવસારી કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતોએ સાવચેતી રાખવા સાથે જ કેળાના થડમાંથી વિકસાવેલુ પ્રવાહી નોવેલ પ્લસ વાપરવાનો આગ્રહ કર્યો છે.
નોવેલ પ્લસમાં જૈવિક જંતુ નાશક તેમજ પાકની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનાં સુક્ષ્મ તત્વો પણ હોવાથી, તેનો છંટકાવ કરવાની સલાહ આપી છે. આ સાથે જ કમોસમી વરસાદ તેમજ ધુમ્મસ અને ભેજયુક્ત વાદળછાયા વાતાવરણમાં ફૂગ જન્ય રોગથી નિયંત્રણ માટે જાગૃત રહેવાની સલાહ આપી રહ્યાં છે. છેલ્લા થોડા વર્ષોથી વાતાવરણમાં આવેલા બદલાવને પગલે કેરીના ઓછા ઉત્પાદનથી લોકોને કેરીની મીઠાશ મોંઘી પડતી હતી. જ્યારે આ વર્ષે પણ સારા ઉત્પાદનની સામે ગત દિવસોમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશા નિરાશામાં ફેરવી છે, ત્યારે કેરીનું ઉત્પાદન ઓછું ઉતરે તો ફરી લોકોને કેરીની મીઠાશ મોંઘી પડે એવી ભીતિ સેવાઈ રહી છે.