- વાંસદા પોલીસે જુગારીયાઓને પકડવામાં મારી હેટ્રિક
- સતત ત્રીજા દિવસે જુગારિયા પકડી, ત્રણ દિવસમાં કુલ 16 જુગારીયાની ધરપકડ
- વાંસદામાં ચાલતા વરલી મટકા અને ચકલી પપલીના જુગારીયાઓમાં ફફડાટ
નવસારી: વાંસદા પોલીસે સતત ત્રીજા દિવસે જુગારીયા પર તરાપ મારીને વરલી મટકાનો જુગાર રમતા 4 શકુનીને પકડી પાડ્યા હતા. પોલીસે જુગારીયાઓ પાસેથી રૂ. 21,900નો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. ખંભાલિયા ગામેથી પકડાયેલા ચાર જુગારીયાઓ સાથે ત્રણ દિવસોમાં પોલીસે કુલ 16 જુગારીની ધરપકડ કરતા તાલુકામાં જુગાર રમાડનારાઓમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.
પોલીસે રૂ. 21910નો મુદ્દામાલ કર્યો કબજે
વાંસદા પોલીસને બાતમી મળી હતી કે, વાંસદાના ખંભાલિયા ગામે ગામીત ફળિયામાં રહેતા સુમન ગામીતના ઘર નજીકના વડના ઝાડ પાસે એક વ્યક્તિ વરલી મટકાનો જુગાર રમાડી રહ્યો છે. પોલીસે ઘટના સ્થળે છાપો મારી, જુગારીયાઓને ઘેરીને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઉનાઈ ગામે આનંદ સોસાયટીમાં રહેતા આકાશ નટવરલાલ ચૌધરી (30), તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ઉમરવાવદુર ગામે રહેતો કિશોર ગુલાબ નાયકા (62), ડોલવણ તાલુકાના બામણામાળદુર ગામનો અમ્રત દિવાળજી ચૌધરી (71) અને વ્યારા તાલુકાના કછવાવ ગામે રહેતો દિવાળજી કેવજી ચૌધરી (75) ની ધરપકડ કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી જુગારના સાધનો સહિત જુગારીયાઓની અંગઝડતીમાંથી 15,410 રૂપિયા અને 5500 રૂપિયાના બે મોબાઈલ ફોન મળીને કુલ 21910 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી વાંસદા પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સતત ત્રીજા દિવસે જુગારીયાઓ ઝડપાયા
વાંસદા પોલીસે શુક્રવારે ખંભાલિયા ગામેથી વરલી મટકાનો જુગાર રમતા પકડેલા જુગારીયાઓ સાથે હેટ્રિક કરી છે. પોલીસે ગત બુધવારે 7 જુગારીયાઓને વાંસદાથી પકડ્યા હતા, ત્યારબાદ ગતરોજ ગુરૂવારે વણારસી ગામેથી વરલી મટકાનો જુગાર રમતા 5 જુગારીયાઓ પકડ્યા હતા. આથી પોલીસે સતત ત્રણ દિવસોમાં તાલુકામાંથી કુલ 16 જુગારીયાઓની ધરપકડ કરતા જુગાર રમનારાઓમાં ફફડાટ ફેલાયો છે.