નવસારી : જિલ્લાના વાંસદાના ધારાસભ્ય અલંક પટેલ (Attack On Vansda MLA Anant Patel) પર હુમલાના મુદ્દે અનંત પટેલના 5000 થી વધુ સમર્થકોએ ભેગા થઈ હુમલો કરનાર જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહીરની સ્ટીલ અને સિમેન્ટ વેચાણની દુકાનમાં તોડફોડ કરી બેકાબૂ બનેલા ટોળાએ આગ લગાડી હતી. આગ પર કાબુ મેળવવા આવેલી ફાયરની ગાડીની પણ હવા કાઢી નાખવામાં આવી હતી. સમગ્ર ઘટનાને પગલે ખેરગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવી છે. બીજી તરફ ખેરગામ ચીખલીને જોડતા માર્ગો પર પોલીસે ગામેગામથી આવતા લોકોને રોકવા માટે નાકાબંધી કરી છે.
અનંત પટેલના નામે ગરબા ગવાયા હતા : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે, જેને લઈને રાજકિય પક્ષો એડીચોટીનું જોર લગાડી રહ્યા છે. ત્યારે નવરાત્રીમાં રાજકીય આગેવાનો ગરબે ઘૂમ્યા હતા સાથે જ આગેવાનોને નામે ગરબા પણ ગવાયા હતા. જેમાં નવસારીના ખેરગામ તાલુકાના બહેજ ગામે આવેલા રૂપા ભવાની માતાજીના મંદિરે રામાયેલા ગરબામાં પણ 'એક જ ચાલે, આદિવાસી ચાલે... એક જ ચાલે, અનંત પટેલ જ ચાલે' ગીત પર ગરબા રમાયા હતા. જેને લઈને ભાજપ અને કોંગ્રેસના સોશિયલ ગ્રુપમાં વિવાદ ઉભો થયો હતો.
અનંત પટેલને ઢોર માર માર્યો હતો : રૂપા ભવાની માતાજીના મંદિર ખાતે રમાયેલા ગરબામાં ગીતનો ઓડિયો એડિટ કર્યો હોવાની ચર્ચા ઉઠી હતી. જેને લઈને વીડિયો વાયરલ કરનાર યુવાન પાસે પણ માફી મંગાવી હતી. દરમિયાન વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલ ખેરગામના સરપંચ સહિત અન્ય આગેવાનો સાથે બેઠક કરવા ખેરગામ આવી રહ્યા હતા. ત્યારે ખેરગામ બજાર વિસ્તારમાં કેટલાક અજાણ્યા લોકોએ દોડીને અનંત પટેલની કારની અટકાવી હતી અને કાચ પર લાકડી વડે હુમલો કરી કાચ તોડી નાંખ્યો હતો. સાથે જ અનંત પટેલને કારની બહાર કાઢી ઢોર માર માર્યો હતો. જેમાં તેમની આંખ પર ઇજા થતાં લોહીલુહાણ થયા હતા.
હુમલાખોરોએ અનંત પટેલને જાનથી મારી નાંખવાની આપી ધમકી : હુમલાખોરોએ અનંત પટેલને આદિવાસી નેતા બનતા હોય, જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા. હુમલા બાદ અનંત પટેલ ઘટના સ્થળે જ બેઠા છે અને તેમના સમર્થકો પણ ભેગા થતા ભાજપ અને પોલીસ તંત્ર પર આક્રોશ ઠાલવી રહ્યા છે. સાથે જ નવસારીના ગામડાઓ સહિત ડાંગ અને વલસાડ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં લોકો ખેરગામ પહોંચી રહ્યા છે. હુમલો નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ અહિત તેમના સાથીદારોએ હુમલો કરવા સાથે જાનથી મારી નાંખવાના આક્ષેપો ધારાસભ્ય અનંત પટેલે લગાવ્યા છે. લોક આક્રોશ જોતા જિલ્લા પોલીસ અધિક્ષક સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સાથે જ પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાયે અનંત પટેલને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ અનંત પટેલે જ્યાં સુધી હુમલાખોરોને પકડવામાં ન આવે, ત્યાં સુધી ઘટના સ્થળ ન છોડવાની ચીમકી ઊચ્ચારી હતી.
રાહુલ ગાંધીએ હુમલાને ભાજપનો કાયરતાપૂર્ણ હુમલો ગણાવતુ કર્યુ ટ્વીટ : અનંત પટેલ ઉપર હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આક્રોશીત ટોળાએ જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહીરની ખેરગામ ખાતે સિમેન્ટ આર્ટિકલ્સની દુકાનમાં તોડફોડ કરી આગ લગાડી હતી. સાથે જ આગ પર કાબુ મેળવા આવેલા ફાયર ફાઇટરના ટાયરની હવા કાઢી એમાં પણ તોડફોડ કરી હતી. બીજી તરફ નવસારી બહારથી મોટી સંખ્યામાં લોકો આવી શકેની સંભાવનાને જોતા જિલ્લા પોલીસ દ્વારા ખેરગામમાં આવવાના રસ્તાઓ ઉપર નાકાબંધી કરી દીધી છે. અનંત પટેલ ઉપર થયેલા હુમલો રાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કરી ચુક્યો છે. જેમાં કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા પણ હુમલાને ભાજપનો કાયરતાપૂર્ણ હુમલો ગણાવતુ ટ્વીટ કર્યુ છે. જ્યારે કોંગ્રેસના વિધાનસભાના વિપક્ષી નેતા સુખરામ રાઠવા પણ નવસારી આવી રહ્યા છે. જેથી અનંત પટેલ પર થયેલ હુમલો રાજકિય દ્રષ્ટિએ મોટું સ્વરૂપ ધારણ કરી ચુક્યો છે અને આવનારી વિધાનસભા ચૂંટણીમાં અનંત પટેલને હુમલાનો સંવેદનાત્મક લાભ મળે એવી સંભાવના પણ જોવાઇ રહી છે.
ધારાસભ્ય અનંત પટેલને આંખના ભાગે ઇજા પહોંચાડી : વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ખેરગામમાં સરપંચને મળવા ગયા હતા તે દરમિયાન બજાર પાસેથી પસાર થતી વેળા કેટલાક ઈસમોએ ગાડીમાંથી તેમને ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા અને આંખના ભાગે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ અને અન્ય કેટલાક ગુંડાતત્વોએ મને રોકી હુમલો કર્યો હોવાનો આક્ષેપ ધારાસભ્ય અનંત પટેલે કર્યો છે. ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલા પ્રકરણમાં સમગ્ર આદિવાસી વિસ્તારના લોકો ખેરગામમાં ભેગા થઈ ગયા હતા અને સૂત્રોચાર કરી સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા.
પ્રમુખ ભીખુ આહીરની દુકાનમાં લગાડી હતી આગ : વાંસદા અને ધારાસભ્ય અનંત પટેલ પર હુમલાના મુદ્દે આનંદ પટેલના 5000 થી વધુ સમર્થક કોઈ ભેગા થઈ પ્રમુખ ભીખુ આહીરની દુકાનમા આગ લગાડતા સમગ્ર પંથકમાં વિવાદ વક્ર્યો હતો. ધારાસભ્ય આનંદ પટેલના સમર્થનમાં આવેલા અનેક લોકોએ પોલીસના વાહનોને નિશાન બનાવ્યા હતા અને પોલીસ પર પથ્થર મારો પણ કર્યો હતો. બેકાબૂ બનેલા ટોળાએ આગ પર કાબુ મેળવવા આવેલી ફાયરની ગાડીના વાહનની હવા કાઢી નાખી હતી. સમગ્ર ઘટનાને પગલે ખેરગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બીજી તરફ ખેરગામ ચીખલીને જોડતા માર્ગો પર પોલીસે ગામેગામ થી આવતા લોકોને રોકવા માટે નાકાબંધી કરી છે.
ધારાસભ્ય અનંત પટેલે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે : આ સમગ્ર મામલાને લઈને પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ફરિયાદ નોંધતા જ ધારાસભ્ય અનંત પટેલ દ્વારા 72 કલાકમાં આરોપીઓને ઝડપી લેવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો આરોપીઓને 72 કલાકની અંદર નહીં પકડવામાં આવે તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ધારાસભ્ય ઉચ્ચારી છે.