નર્મદા : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રાજ્ય સરકારની ૧૦મી ચિંતન શિબિર યોજાઈ રહી છે. જેનો આજે બીજો દિવસ છે. આજે બીજા દિવસે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ મહાનુભાવો દ્વારા ચિંતન શિબિર શરૂ કરવામાં આવી હતી. ગુજરાત સરકારના સૂત્રો દ્વારા જણાવ્યાં અનુસાર આજે આ શિબિરમાં મુખ્ય પાંચ વિષયો પર ચર્ચા કરવામાં આવશે.
કઇ બાબતો પર ચિંતન : આજના દિવસે આરોગ્ય અને પોષણ શહેરીકરણ અને માળખાકીય વિકાસ સરકારી અને તમામ સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓ અને તાલીમ અને ક્ષમતા નિર્માણ, શિક્ષણમાં ગુણાત્મક સુધારો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય વિકાસ ક્ષમતાનિર્માણ જેવા વિષયો પર ચિંતન કરવામાં આવી રહ્યું છે.
ધ્યાનનું મહત્વ સમજાવ્યું : કેવડિયાના એકતાનગરમાં યોજાઈ રહેલી 10મી ચિંતન શિબિરના બીજા દિવસનો વહેલી સવારના 17 એકરમાં બનાવાયેલા આરોગ્ય વનની પ્રકૃતિ મધ્યે યોગાભ્યાસથી પ્રારંભ થયો હતો. આ યોગાભ્યાસમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષક ક્રિષ્ના જાડેજાએ યોગમાં ઓમકારથી લઈ શાંતિ પાઠ સુધીના સમન્વયની સમજણ અને યોગમાં આસનો પ્રાણાયામ અને ધ્યાનનું મહત્વ સમજાવ્યું હતું.
કયા યોગાસનો કરાયાં : ગુજરાત સરકારના સૂત્રો દ્વારા જણાવ્યાં અનુસાર રાજ્યપ્રધાન બચુભાઈ ખાબડ સહિતના શિબિરાર્થીઓ લગભગ એક કલાક સુધી યોગામાં જોડાયા હતા. આ યોગાભ્યાસનો પ્રારંભ સૂક્ષ્મ યોગ પ્રાણાયામથી અને ધ્યાનથી સમાપન થયું હતું. આરોગ્ય વનના શાંત અને પ્રાકૃતિક વાતાવરણમાં યોગાભ્યાસમાં અર્ધચક્રાસન, વૃક્ષાસન, પદ્માસન, અર્ધ-પૂર્ણ સર્વાસન, વિપરીત સર્વાસન, ધનુરાસન, મકરાસન, નૌકાસન, મુકતાસન, અર્ધપવન મુકતાસન, નટરાજાસન, સવાસન, પર્વતાસન, અનુલોમ-વિલોમ પ્રાણાયમ જેવી વિવિધ મુદ્રાઓમાં યોગાભ્યાસ કરાવાયો હતો. રાજ્યપ્રધાન
સખી મંડળની મહિલાઓ સાથે સંવાદ : બચુભાઈ ખાબડે યોગાભ્યાસ બાદ આરોગ્ય વન ખાતે સર્વે વરિષ્ઠ અધિકારીઓ સાથે વિશ્રામ કરી મનોમંથન કરવા સાથે સખી મંડળની મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રાજ્ય સરકારની 10મી ચિંતન શિબિરનો ગઇકાલથી પ્રારંભ થયો હતો જેને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શરુ કરાવી હતી.
નર્મદા મૈયાની પૂજાઅર્ચના : ગતરોજ ચિંતન શિબિરના પ્રથમ દિવસની રાત્રે સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય પ્રધાનમંડળસભ્યો, વરિષ્ઠ સચિવો, સનદી અધિકારીઓ નર્મદા કિનારે સ્થિત ગોરાઘાટ ખાતે મા નર્મદા મૈયાની આરતીમાં ભાગ લીધો હતો. સીએમે શંખનાદ, ડમરૂ, દીવડાઓની જ્યોત, દીપ, ગૂગળ ધૂપ સાથેના ભક્તિપૂર્ણ માહોલમાં આરતી કરવા સાથે ગુજરાતના ઉત્તરોત્તર વિકાસ અને ગુજરાતીઓની સુખાકારીની ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી. આ સમયે બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર અને નર્મદાષ્ટકના સુમધુર શ્લોકગાન સહિત નર્મદા મૈયાની પૂજાઅર્ચના કરવામાં આવી હતી. આ વેળાએ નર્મદા નદીમાં વિશેષ તૈયાર કરાયેલા શિવ તાંડવ સ્ત્રોત અને લાઈટ સાઉન્ડ શો નિહાળીને સૌએ પ્રસન્નતાનો અનુભવ કર્યો હતો તેમ ગુજરાત સરકારના સૂત્રો દ્વારા જણાવાયું હતું.