દેડીયાપાડાઃ આમ આદમી પાર્ટીના દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ વન વિભાગે ધમકાવવાનો આરોપ લગાડ્યો છે. દેડીયાપાડા પોલીસે ધારાસભ્ય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને 3 આરોપીઓની ધરપકડ પણ કરી છે. આ ત્રણ આરોપી પૈકી એક છે શકુંતલાબેન જે ધારાસભ્ય વસાવાના પત્ની છે. તેમની તબિયત લથડતા તેણીને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ શકુંતલાબેનને રુબરુ મળીને ખબર અંતર પુછ્યા છે.
પોલીસ સાથે ચકમક ઝરીઃ અમદાવાદથી ઈસુદાન ગઢવી સીધા રાજપીપળા હોસ્પિટલ ગયા હતા. અહીં પોલીસે ઈસુદાન ગઢવીને ધારાસભ્યની પત્નીના ખબર અંતર પુછવા માટે મુલાકાત લેતા અટકાવ્યા હતા. તેથી ઈસુદાન ગઢવી આકરાપાણીએ થયા હતા. ઈસુદાન ગઢવી અને પોલીસ વચ્ચે ચકમક ઝરી હતી. જો કે ઈસુદાન ગઢવી રકઝક બાદ ધારાસભ્યના પત્નીને રુબરુ મળવામાં સફળ રહ્યા હતા. તેમણે શકુંતલાબેનની તબિયત પુછી હતી અને હૈયાધારણ પણ આપી હતી.
ધારાસભ્ય ચૈતર વસાવા નિર્દોષ છે. ટૂંક સમયમાં તેઓ હાજર થશે. ભાજપે ખોટી રીતે ચૈતર વસાવા પર કેસ કર્યો છે. આ ખોટો કેસ એ આદિવાસી સમાજ પર ભાજપનો હુમલો છે. જેવો મેં દેડીયાપાડામાં પગ મુક્યો કે મને આદિવાસી લોકોએ તેમના હીરો ચૈતર વસાવાને બચાવવા અપીલ કરી હતી. ભાજપનો આ ખેલ ઉલટો પડ્યો છે...ઈસુદાન ગઢવી(પ્રદેશ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી, ગુજરાત)
પોલીસ કાર્યવાહીઃ દેડીયાપાડા પોલીસે આ કેસમાં 3 આરોપીની ધરપકડ કરી છે. જેમાં ધારાસભ્યના પત્ની શકુંતલા વસાવા, ધારાસભ્યના પીએ અને એક ખેડૂતનો સમાવેશ થાય છે. પોલીસે આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જે કોર્ટે નામંજૂર કર્યા હતા. આ કેસમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટે આગામી તારીખ 9મી નવેમ્બર આપી છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં આરોપી ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ પહોંચથી દૂર છે અને છેલ્લા પાંચ દિવસથી પોલીસ તેમને શોધી રહી છે.