કેવડિયાઃ કેન્દ્રીય કોલસા અને ખાણ પ્રધાન પ્રહલાદ જોશીની અઘ્યક્ષતામાં નર્મદાના કેવડિયા ખાતે બે દિવસીય ચિંતન શિબિર યોજાઈ હતી. જેના સમાપનમાં કેન્દ્રીય કોલસા અને ખાણ પ્રધાન પ્રહલાદ જોશીએ પત્રકારો સાથેની વાતચીત કરી હતી. જેમાં તેમણે નાણાકીય વર્ષ 2023-24થી ભારત થર્મલ કોલસાની આયાત બંધ કરવા અને ચિંતન શિબિરમાં ભારતીય કોલસા ક્ષેત્રને નડતી નવી મુશ્કેલીઓ દૂર કરવા માટે નવીન ઉકેલો પૂરા પાડવા અંગે જણાવ્યું હતું.
આગળ વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "કોલસા ઉત્પાદનમાં આગામી 2023-24ના નાણાકીય વર્ષ સુધીમાં એક બિલિયન ટન (1હજાર મિલિયન ટન )કોલસાનું ઉત્પાદન કઈ રીતે થઇ શકે તેની વ્યાપક રૂપરેખા આ શિબિરમાં નક્કી કરાઈ છે. દેશની કોલસાની જરૂરિયાતને ધ્યાને લઇને તેની ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેનો જે ગેપ છે. તે ગેપની પૂર્તિ માટે ભારત સરકારે તાજેતરમાં જ ભારતીય કોલ ઉદ્યોગને સંપૂર્ણ રીતે ખુલ્લો મુક્યો છે, ત્યારે હવે ભારતમાં કોલસા ઉત્પાદનોને માટે કોઈ પણ કમ્પનીને તેના પૂર્વ અનુભવની જરૂરિયાત રહેતી નથી.
આ ઉપરાંત તેમણે કોઈ પણ ક્ષેત્ર માટે કોલસાના ઉપયોગ માટે ખોદાણ માટે ફાળવણી કરાશે. એટલે કે, હવે ભારતની રજીસ્ટર્ડ કોઈ પણ કેમ્પની કોલસાના ઉત્પાદન માટેની હરાજીની પ્રક્રિયામાં ભાગ લઇ શકશે અને જે તે કોલસા ઉત્પાદનને કોઈ પણ ક્ષેત્રમાં ઉપયોગ કરવાની સાથે તેનું વેચાણ કરવા અંગે પણ જણાવ્યું હતું.
આમ, કેવડિયા ખાતે દ્વિ -દિવસીય યોજાયેલી આ ચિંતન શિબિરમાં ઉર્જા સહિત કોલસાનું ભવિષ્ય, કોલસા ઉદ્યોગનું આધુનિકી કરણ, નીતિગત ફેરફાર સહિત ભારતીય કોલસા ઉદ્યોગ સાથે જોડાયેલા વિષયો પર વ્યાપક ચર્ચા વિચારણા કરાઈ હતી.