સરકારના નવા કાયદા પ્રમાણે ગુજરાતના મોટા શહેરોના રાષ્ટ્રીય ધોરી માર્ગ (નેશનલ હાઈવે), રેલ્વે પ્લેટફોર્મ, એસટી બસ સ્ટેશનો તેમજ હોટેલ કે પેટ્રોલપંપ પરની તમામ દુકાનો, રેસ્ટોરન્ટ, સિનેમાગૃહ અને દવાખાના ચોવીસ કલાક ચાલુ રાખી શકાશે. તેમજ નગરપાલિકા વિસ્તારો કે સ્ટેટ હાઈવે પરની સંસ્થાઓ અને દુકાનો સવારે 6 થી રાત્રીના 2 કલાક સુધી ખુલ્લી રાખી શકાશે. એક્ટ મુજબ હવે પ્રીમાઈસીસ/દુકાનોમાં 10 થી ઓછા કર્મચારી હોય તેનું શોપ લાયસન્સ એક્ટનું લાયસન્સ લેવાની જરૂરિયાત રહેતી નથી. આ કાયદાની કલમ 7 મુજબ લોકલ ઓથોરીટીને ઓનલાઈન જાણ કરવાની રહેશે. 10 કે તેથી વધુ કર્મચારીઓ હોય તેને ફક્ત એક વખત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને દર વર્ષે રિન્યુ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ સમગ્ર પ્રક્રિયા https :// enaar.ujarat.ov.in વેબસાઇટ પર એકાઉન્ટ બનાવી કરવાની રહેશે. જેથી દુકાન જો ક્રમ એકમાં આવતી હોય તો 24 કલાક ખુલ્લી રાખવા તેમજ ક્રમ 2માં આવતી હોય તો રાત્રીના 2 સુધી દુકાનો ખુલ્લી રાખવા અંગે અરજી કરવાની રહેશે. તા.14, શુક્રવારે સાંજે 5 કલાકે ટાઉન હોલ મોરબી ખાતે નોંધણી કરાવી શકાશે તેમ મોરબી પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા અને ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાની યાદીમાં જણાવ્યું છે.