મોરબી : લીલાપર બોરીયાપાટી વિસ્તારમાં ત્રિપલ મર્ડરની ઘટના બની હતી. જે ગુનામાં સંડોવાયેલા વૃદ્ધ આરોપીના જામીન રિજેક્ટ થયા બાદ ચાર માસથી સબ જેલમાં બંધ હતો, ત્યારે આજે તબિયત બગડતા હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા અને રાજકોટ રીફર કરાય તે પૂર્વે મૃત્યુ નીપજ્યું હતું.
શું હતો સમગ્ર મામલો : વર્ષ 2018માં ત્રિપલ મર્ડરના ગુનામાં સંડોવાયેલા 69 વર્ષીય શીવાભાઈ ડાભી નામના વૃદ્ધ કેદીનું આજે મૃત્યુ નીપજ્યું હતું. જે બનાવ મામલે સબ જેલના ઇન્ચાર્જ જેલર પી.એમ. ચાવડાએ જણાવ્યું હતું કે, કાચા કામના કેદીને આજે સવારે 9 કલાકે પગમાં દુખાવો થતો હોવાનું જણાવતા તેને જાપ્તા વચ્ચે સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. કમરમાં નસ દબાતી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું. જેથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવાની તજવીજ હાથ ધરી હતી. આ દરમિયાન બપોરે 12 : 05 કલાકે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતક વૃદ્ધ કેદીને પગમાં પ્લેટ હોય અને ઇન્ફેકશનને કારણે બ્લડમાં ચેપ લાગ્યો હોય તેથી તકલીફ વધી જતા મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું.
હાર્ટ એટેકનું પ્રાથમિક તારણ : આ મામલે સિવિલના ડૉ.આર કે સિંઘ દ્વારા હાર્ટ એટેકના કારણે શિવાભાઈનું મૃત્યુ થયાની પ્રાથમિક શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને એ જ બાદ મૃત્યુનું સાચું કારણ સામે આવશે. વર્ષ 2018માં ત્રિપલ મર્ડર કેસમાં વૃદ્ધ અગાઉ બે વર્ષ જેલમાં રહ્યા હતા અને બાદમાં જામીન મેળવ્યા હતા. જે જામીન સુપ્રીમ કોર્ટમાંથી રીજેક્ટ થતા તેઓ ગત તારીખ 17મી ડિસેમ્બર 2022ના રોજ જેલમાં આવ્યા હતા. ચાર માસથી જેલમાં હોય આજે બીમારીમાં મૃત્યુ થયું હોવાની માહિતી મળી છે. જોકે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.
શું હતી સમગ્ર ઘટના? મોરબીના લીલાપર રોડ પર આવેલા બોરીયાપાટી વાડી વિસ્તાર નજીક મધરાત્રીના સમયે દિલાવર પઠાણ, મોમીન અને દિલાવરખાનના ભત્રીજા અફઝલખાન પઠાણની હત્યા બાદ 12 આરોપીઓ સામે હત્યા સહિતના ગુના નોંધાયા હતા. પોલીસની ટીમે તાકીદના એક્શન લેતા આરોપીઓને ઝડપી લીધા હતા.
આ પણ વાંચો : Atiq Ahmed: અતીક અહેમદને લઈ જતી ગાડી શામળાજી ખાતે બગડી, કાફલો પહોંચ્યો રાજસ્થાન
ખૂની ખેલ ખેલાયો : 12 ઓગસ્ટ 2018 જમીનના ડખ્ખા મામલે ચાલતી તકરારમાં મધરાત્રીએ ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં ત્રણની હત્યા નીપજાવી દેવામાં આવી હતી. જે બનાવ મામલે ફરિયાદી વસીમે આરોપી ભરત ડાભી, જયંતી, અશ્વિન, ભરત, ધનજી, કાનજી, શિવા, મનસુખ, જીવરાજ, પ્રવિણ ડાભી, કિશોર ડાભી તેમજ સંજય ડાભી સહિતના લોકોએ લાકડી, તલવાર, કુહાડી, ટોમી, ધારીયા સહિતના ઘાતક હથિયાર વડે આ હત્યાને અંજામ આપ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
આ પણ વાંચો : Ahmedabad Crime : રત્નકલાકાર ચા પીઈને આવ્યા બાદ હત્યા કરનાર શખ્સો ઝડપાયા
પોલીસની કાર્યવાહી : બનાવને પગલે હત્યાનો ગુન્હો નોંધાયા બાદ તુરંત પોલીસે આરોપીને ઝડપી લેવા કવાયત આદરી હતી. જેમાં તમામ 12 આરોપીઓ પોલીસે ઝડપી લીધા હતા અને બાદમાં રિમાન્ડ મેળવ્યા હતા. જે રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીઓને 24 ઓગસ્ટ 2018ના રોજ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.