મોરબીઃ માળીયા તાલુકાના તરઘરી ગામે મોરબી એસીબીએ બે જણને 80 હજારની લાંચ લેતા ઝડપી લીધા છે. આ આરોપીઓમાં તરઘરી ગામના મહિલા સરપંચના પતિ અને ગ્રામ પંચાયતના સભ્યનો સમાવેશ થાય છે. આરોપીઓએ ખારાવાડ અને ગામની ખરાબાની જમીનમાંથી પરદેશી બાવળ કાપવાની પંચાયતમાંથી પરવાનગી મેળવી આપવા 80 હજાર રુપિયાની લાંચ માંગ હતી. જો કે ફરિયાદી લાંચ આપવા સક્ષમ ન હોવાથી તેણે એસીબીને ફરિયાદ કરી. એસીબી ટીમે સત્વરે કામગીરી હાથ ધરી હતી. એસીબીની ટીમે છટકું ગોઠવીને બંને આરોપીઓને રંગે હાથે ઝડપીને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.
સમગ્ર ઘટનાક્રમઃ આ સમગ્ર મામલે ફરિયાદી તરઘરી ગામમાં ખરાબામાં ઉગેલા પરદેશી બાવળ કાપીને છુટક વેચાણ કરીને ગુજરાન ચલાવે છે. તરઘરી ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ મુકેશ પરમાર અને ગ્રામ પંચાયતના ચૂંટાયેલ સભ્ય દામજી ગામી નામક આરોપીઓએ ફરિયાદીને પંચાયતમાંથી બાવળ કાપવાની પરવાનગી અપવવા માટે 80 હજાર રુપિયાની લાંચ માંગી હતી. જો કે ફરિયાદી લાંચ આપવા સક્ષમ ન હોવાથી તેણે મોરબી એસીબીનો સંપર્ક કર્યો હતો. મોરબી એસીબીએ માળિયાના બાલાજી ચેમ્બર અવધ ડીલક્ષ પાનની સામે પીપળીયા ચાર રસ્તા પાસે ટ્રેપ ગોઠવી હતી. જ્યાં આરોપીઓ લાંચ લેવા આવ્યા અને રંગે હાથે ઝડપાઈ ગયા હતા.
આ સમગ્ર મામલે મોરબી એસીબીમાં ફરિયાદ થઈ હતી. એસીબી ટીમે ટ્રેપ ગોઠવીને મહિલા સરપંચના પતિ અને ગ્રામ પંચાયતના સભ્યને રંગે હાથે ઝડપી લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે...એચ એમ રાણા(પીઆઈ, મોરબી એસીબી)