મોરબીઃ કોરોના વાઈરસના ફેલાવાને અટકાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. રવિવારે લોકડાઉનનો ચોથો દિવસ છે. મોરબી જિલ્લામાં લોકડાઉનનું પોલીસ દ્વારા કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. સવારના સમયે મોટી સંખ્યામાં લોકો કામ વગર બહાર નીકળતા હોય છે. તેમને પોલીસ રોકી અને કામ વગર બહાર ન આવવા સમજાવે છે. પોલીસ સંયમ જાળવી રાખી તેમને કોરોનાની ગંભીરતા સમજાવીને ઘરે પરત મોકલે છે.
આ લોકડાઉન વચ્ચે મોરબી પોલીસનો એક અલગ ચહેરો પણ સામે આવ્યો છે. હાથમાં લાકડી ચહેરા પર સખ્તાઈ રાખીને ફરતા પોલીસ જવાનો પથ્થર દિલના હોય છે તેવી માન્યતા લોકોના માનસ પટલ છવાયેલી હોય છે. હાલ આ ભ્રમણા તોડતા દ્રશ્યો સમગ્ર રાજ્ય અને મોરબીમાં જોવા મળી રહ્યા છે.
દેશપ્રત્યે પોતાની ફરજ નિભાવવાની સાથે સાથે માનવતાનું ઉતમ ઉદાહરણ મોરબી પોલીસ પૂરૂ પાડી રહી છે. લોકડાઉનને પગલે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી શકતી નથી. તેઓ દહાડી કરતા હોવાથી તેમની હાલત કફોડી છે. આવા સમયે મોરબી પોલીસ અન્નપૂર્ણા બની તેમની વહારે આવી છે. મોરબી પોલીસે રાશન કીટ તેમજ શાકભાજી તેમના ઘરે પહોંચાડી હતી. પોલીસના આ ઉમદા પગલાને કારણે ગરીબ પરિવારોમાં ખુશી છવાઈ હતી.